રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સૌપ્રથમ વખત સરહદી કચ્છના પ્રવાસે આવશે

Wednesday 19th February 2025 04:44 EST
 
 

ભુજઃ ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ચાલુ માસના અંતે 18 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ સરહદી કચ્છ જિલ્લાની મુલાકાત લઈ વિશ્વવિખ્યાત ધોરડો સફેદ રણ, ધોળાવીરા અને સ્મૃતિવન સહિતનાં સ્થળોની મુલાકાત લેવાના હોવાનું વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્યનો સરહદી જિલ્લો કચ્છ પોતાની આગવી વિશિષ્ટતા ધરાવે છે. રણ, દરિયો અને ડુંગર ધરાવતા કચ્છની સુંદરતા અને કચ્છનાં પ્રવાસન સ્થળો જગવિખ્યાત છે, ત્યારે ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કચ્છની મુલાકાત લઈ કચ્છનાં આ પ્રવાસન સ્થળોથી વાકેફ થશે. તેઓ વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામ એવા ધોરડો ખાતે આયોજિત રણોત્સવની મુલાકાત લેશે, તેમજ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો અપાયો છે તેવા ધોળાવીરા પણ જશે. આ સિવાય રોડ ટુ હેવનનો નજારો પણ માણી શકે છે. કચ્છ મુલાકાત દરમિયાન તેઓ ભુજ ખાતે સ્મૃતિવન મેમોરિયલની પણ મુલાકાત લેશે આખા દેશમાં ભૂકંપ આધારિત મ્યુઝિયમ માત્ર ભુજમાં આવેલું છે અને તેની ડિઝાઇન બાબતે તેને સર્વશ્રેષ્ઠ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે.
રાષ્ટ્રપતિની સંભવિત મુલાકાતને લઈને વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે અને હાલ તૈયારી શરૂ કરી દેવાઈ છે. આ અગાઉ 2018મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કચ્છની મુલાકાતે આવ્યા હતા તો 2023માં વર્તમાન ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ પણ કચ્છની મહેમાનગતિ માણી ચૂક્યા છે.


comments powered by Disqus