પાટણઃ એક સમયે સૂકોભઠ્ઠ જોવા મળતો પાટણની સરસ્વતી નદીનો કિનારો પર્યાવરણપ્રેમી સંસ્થાઓની વર્ષોની મહેનતના કારણે આજે 40,000 લીલાછમ્મ વૃક્ષોની હરિયાળીથી શોભી રહ્યો છે. હાલ અંદાજે રૂ. 35 લાખથી વધુના ખર્ચે 20 એકરમાં 275 પ્રકારની જાતિનાં વૃક્ષો ઉછેરવામાં આવ્યાં છે. આ વૃક્ષો વર્ષ દરમિયાન 880 ટન કાર્બન ડાયોક્સાઇડનું ગ્રહણ કરી રહ્યા છે, સામે 4800 ટન ઓક્સિજન આપતા હોઈ 3 વર્ષની મહેનતે ઊભું કરાયેલું કૃત્રિમ વન પાટણ માટે ઓક્સિજન પ્લાન્ટ બન્યું છે.
20 જુલાઈ 2020 વિશ્વ કારગિલ દિવસ નિમિત્તે વિવિધ શહેરની સંસ્થાઓ તેમજ સરકારી તંત્રના સહયોગથી પર્યાવરણ અને શહેરની સુરક્ષા માટે મિશન ગ્રીન પાટણ અભિયાન અંતર્ગત સરસ્વતી નદીના પુલ પાસે નદીકિનારા પર સિંચાઈ વિભાગની 20 એકર જમીન એટલે કે અંદાજે 1.5 કિ.મી.ના સીધા પટ્ટામાં સહસ્ત્ર તરુવન બનાવવાનો આરંભ કરાયો હતો.
આ 1.5 કિ.મી.ના પટ્ટામાં અલગ-અલગ 5 વન ઊભાં કરી 275 પ્રકારનાં લુપ્ત થતાં વૃક્ષો તેમજ પર્યાવરણમાં ઓક્સિજન માત્રા વધારતા અને કુદરતી સાઇકલમાં ઉપયોગી વૃક્ષો, ફળ, ફૂલ મળી કુલ અત્યાર સુધીમાં 40 હજાર જેટલાં વૃક્ષો રોપી પાણી માટે ડ્રીપ પદ્ધતિનો ઉપયોગ કરીને ઉછેર કરાયો છે.