દ્વારકાઃ સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી-દેવતાઓ વિશે કથિત અભદ્ર ટિપ્પણી મુદ્દે હિન્દુ સમાજ રોષે ભરાયો છે. ત્યારે હાલમાં ભગવાન દ્વારકાધીશ વિશે કરાયેલી અભદ્ર ટિપ્પણી બાદ દ્વારકા ખાતે જગતમંદિરના પૂજારી, સમસ્ત ગૂગળી બ્રાહ્મણ અને હિન્દુ સંગઠનો વિશાળ રેલી યોજી ભગવાન દ્વારકાધીશ મંદિરેથી એસડીએમ કચેરી સુધી વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી અને આવેદન પાઠવ્યું હતું. આ બાબતે સોમવાર મીટિંગ યોજાઈ હતી, જેમાં આ વખતે સ્વામિનારાયણ પંથના વિવાદિત વક્તા સંતોને પંથમાંથી દૂર કરાય, તેમજ હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર લખાણ લખાયું છે તેવાં તમામ પુસ્તકોની હોળી કરી નાશ કરવાની માગ કરાઈ હતી.
સીએમ-ગૃહમંત્રીને મધ્યસ્થી કરવા આહવાન
મંગળવારે તમામ ભૂદેવો, બ્રહ્મસમાજ, આહિર સેના, હિન્દુ સેના તથા અન્ય સમાજ દ્વારા સૌપ્રથમ ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને મધ્યસ્થી કરી સમાજને ન્યાય અપાવવાનું આહવાન કર્યું હતું.
માફી નહીં માગે તો વડતાલનો ઘેરાવ થશે
ઉલ્લેખનીય છે કે, ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિની યુવા ટીમ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ વિશે અભદ્ર ટિપ્પણી કરનારા સ્વામીઓને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. અન્યથા અહીં ગૂગળી બ્રાહ્મણ યુવા ટીમ વડતાલ પહોંચી ઘેરાવ કરાશે અને સ્વામિનારાયણ સંતોને લલકારાશે.
નીલકંઠ ચરણ સ્વામીનો બફાટ
તાજેતરમાં સુરત શહેરના વેડરોડ વિસ્તાર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામીએ દ્વારકાધીશ અંગે કહ્યું છે કે, ‘દ્વારકાધીશે પોતાના નિવાસ માટે મંદિર બનાવવા માટે મહારાજને પ્રાર્થના કરી હતી’. દેવતાઓ વડતાલનું તળાવ ગાળવા માટે આવ્યા હતા તેવા વિવાદિત નિવેદનનો વીડિયો બહાર આવ્યો હતો, જેનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં બીજો વીડિયો વાઇરલ થતાં વિવાદ વકર્યો છે.
‘અખંડ બ્રહ્માંડના માલિકથી મોટું કોઈ નહીં’
દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને હવે મોગલ ધામ કબરાઉના ગાદીપતિ મણિધરબાપુએ આક્રોશ વ્યક્ત કર્યો છે. આમ હવે આ મુદ્દાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે.
મણિધરબાપુએ શ્રીકૃષ્ણ પરની ટિપ્પણીને લઈને કહ્યું હતું કે આ લોકોને પૈસા આપવાનું બંધ કરો. આવા નિવેદનથી સનાતન ધર્મને જે ધક્કો લગાવ્યો છે, આને હું આતંકવાદી કહું છું, કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટો કોઈ છે જ નહીં.
200 વર્ષ જૂની મૂળ કથા શું છે
સુરતના વેડરોડ ગુરુકુળના પ્રભુચરણ સ્વામીએ જણાવ્યું કે, 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારકાધીશનાં દર્શને ગયા હતા. પરંતુ નાણાં વિના તેમને દર્શન કરવા ન મળ્યાં નહીં. ભગવાન સ્વામિનારાયણે દર્શન કરીને આવવાનું કહેલું, પરંતુ ધન વિના દર્શન થઈ શકે તેમ નહોતાં. દર્શન ન થતાં છેવટે મંદિરથી બહાર નીકળી ગયા અને ભગવાનને પ્રાર્થના કરી કે, ‘હે પ્રભુ! બોડાણા ભક્તની પ્રાર્થનાથી જેમ તમ ડાકોર પધાર્યા, એમ મારી પ્રાર્થનાથી પ્રભુ તમે બીજા સ્વરૂપે વડતાલમાં પધારો.’
ગંગાને પવિત્રતા આપનારા સંત પ્રબોધસ્વામીઃ હરિભક્ત
આ ઉપરાંત તાજેતરમાં મુંબઈમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યક્રમમાં એક હરિભક્તના નિવેદનને લઈ પણ વિવાદ થયો છે. વાઇરલ વીડિયોમાં એક હરિભક્ત કહે છે કે, મહાકુંભમાં પવિત્ર ગંગા નદીના પ્રવાહને પવિત્રતા આપનારા સ્વામિનારાયણ સંત પ્રબોધસ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જેને લઈ દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે.