સુરતઃ સુરત જિલ્લાના કલેક્ટર દ્વારા નેશનલ હાઇવે અને સરકારી જમીન પર દબાણ કરનારા લોકો તેમજ ખાસ કરીને મોટા ઉદ્યોગો સામે મેગા ડિમોલિશન અભિયાન શરૂ કરાયું છે. આ ઝુંબેશ હેઠળ સૌથી મોટી કાર્યવાહી હજીરાની AMNS (આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા) કંપની સામે કરવામાં આવી છે, જે છેલ્લાં ઘણાં વર્ષોથી સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી રહી હતી. તપાસ બાદ સરકારે કંપનીને 80 હજાર ચોરસ મીટરમાં દબાણ કરવા બદલ રૂ. 18 કરોડનો દંડ ફટકાર્યો છે અને જગ્યા ખુલ્લી કરાઈ છે. જ્યારે અન્ય નાનાં-મોટાં દબાણો દૂર કરી 52 હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.
હજીરામાં ગેરકાયદે દબાણ કર્યું હતું
AMNS કંપની હજીરામાં આવેલી એક મોટી સ્ટીલ ઉત્પાદન કરતી કંપની છે. કંપનીએ વર્ષોથી હજારો એકર સરકારી જમીન પર દબાણ કર્યું હતું, એને લઈને સ્થાનિકો દ્વારા તત્કાલીન કલેક્ટર સમક્ષ વારંવાર ફરિયાદ કરાઈ હતી, જે અંગે મામલતદારને તપાસના આદેશ અપાયા હતા.
10 કેસ AMNS વિરુદ્ધ
આ પ્રકરણમાં કુલ 18 કેસ ચોર્યાસી મામલતદાર સમક્ષ આવ્યા હતા, જે પૈકી 10 કેસ AMNS વિરુદ્ધ પુરવાર થયા હતા. તપાસમાં સાબિત થયું કે કંપનીએ બિનઅધિકૃત કબજો કર્યો હતો, જેથી મામલતદાર કચેરીએ AMNS કંપનીને
રૂ. 18 કરોડનો દંડ કરાયો છે.