ગાંધીનગરઃ ભારત સરકારનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ થઈ ચૂક્યું છે. જેમાં વર્ષ 2025-26માં ભારત સરકાર દ્વારા ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યમાંથી કોર્પોરેશન ટેક્સ, ઇન્કમટેક્સ, સેન્ટ્રલ જીએસટી, કસ્ટમ ડ્યૂટી, યુનિયન એક્સાઇઝ ડ્યૂટી, સર્વિસ ટેક્સ અને અન્ય ટેક્સ વસૂલાશે.
વર્ષ દરમિયાન દરેક રાજ્યમાંથી વસૂલાનારા આ વિવિધ વેરામાંથી દરેક રાજ્યને તેમના હિસ્સા પેટે નાણાપંચ દ્વારા કરાયેલી ફાળવણીની ટકાવારી પ્રમાણેની રકમ પરત ચૂકવાશે. કેન્દ્રીય નાણાપંચ દ્વારા ગુજરાત માટે આ તમામ વેરામાંથી મળવાપાત્ર હિસ્સા પેટે 3.478 ટકા નક્કી કરાયેલા છે, જે પ્રમાણેની રકમ ગુજરાતને મળશે. આ રકમનો ઉલ્લેખ ગુજરાત સરકાર દ્વારા હવે 20 ફેબ્રુઆરી-2025ના રોજ ગુજરાત વિધાનસભામાં રજૂ થનારા બજેટમાં મહેસૂલી આવક તરીકે કરાશે.
કેન્દ્રીય નાણામંત્રીએ તેમના બજેટમાં દર્શાવ્યા મુજબ વર્ષ 2025-26માં ભારત સરકાર દ્વારા વસૂલાનારા વિવિધ કુલ વેરાની રકમ પૈકી ગુજરાતને તેના હિસ્સા પેટે કુલ રૂ. 49,472 કરોડ પરત આપશે.