ગાંધીનગરઃ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈ રાજ્ય સરકાર દ્વારા 4 ફેબ્રુઆરીએ મંગળવારે મહત્ત્વની જાહેરાત કરાઈ. ઉલ્લેખનીય છે કે, યુસીસીના અમલ માટે ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરાઈ હતી. આ કમિટી લોકોના સૂચન પર કામ કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુસીસીની આવશ્યકતા ચકાસવા મહત્ત્વની સમિતિની રચના કરી છે, જેના દ્વારા મુસદ્દો તૈયાર કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસની અધ્યક્ષતામાં કમિટી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાશે. આ ઉપરાંત કમિટીમાં પૂર્વ આઇએએસ સી.એલ. મીણાનો પણ સમાવેશ કરાયો છે.
45 દિવસમાં રિપોર્ટ રાજ્યને સોંપાશે
સમગ્ર બાબતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજના કાયદાનું સંપૂર્ણ સંરક્ષણ કરાશે. આ ઉપરાંત રિપોર્ટ 45 દિવસમાં આવી ગયા બાદ સરકાર દ્વારા તેને રિવ્યૂ કરાશે. રિવ્યૂ બાદ તેનું અમલીકરણ કરાશે.
UCC કમિટીમાં કોનો સમાવેશ?
• રંજના દેસાઈ, સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત ન્યાયાધીશ • સી.એલ. મીણા, પૂર્વ આઇએએસ • આર.સી. કોડેકર, સભ્ય (એડવોકેટ) • દક્ષેશ ઠાકર, પૂર્વ વાઇસ ચાન્સેલર • ગીતાબહેન શ્રોફ, સામાજિક કાર્યકર
UCC બાદ શું બદલાશે?
• તમામ ધર્મો માટે છોકરીઓની લગ્નની ઉમર 18 વર્ષ થશે
• પુરુષ અને મહિલાઓ માટે તલાક આપવાનો સમાન અધિકાર
• લીવ ઇન રિલેશનશિપની નોંધણી જરૂરી
• લીવ ઇન રિલેશનશિપની નોંધણી ન કરાવનારાને 6 માસની કેદ
• અનુસૂચિત જનજાતિ UCCથી બહાર
• એક કરતાં વધારે લગ્ન પર રોક
• પતિ અથવા પત્નીના જીવિત રહેવા સુધી બીજા લગ્ન પર પ્રતિબંધ
• લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત
• સંપત્તિના ઉત્તરાધિકારમાં મહિલાઓને સમાન હક્ક
• તમામ ધર્મો માટે લગ્ન અને તલાક માટે એક જ નિયમ
• મુસ્લિમ સમુદાયમાં લોકો 4 લગ્નો નહીં કરી શકે