અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રચાર દરમિયાનના તેમના હાકલા પડકારાને સાકાર કરવા લાગ્યા છે. કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદીને ટ્રમ્પે ઇતિહાસના સૌથી મૂર્ખતાપૂર્ણ ટ્રેડ વોરનો પ્રારંભ કરી દીધો છે. જોકે ટ્રમ્પના આ પગલાં પર અમેરિકાના બિઝનેસ મિશ્ર પ્રત્યાઘાત આપી રહ્યાં છે.
અમેરિકાના દુશ્મન બનવું જોખમી છે પરંતુ તેના મિત્ર બનવું તે ઘાતકી છે. લાંબાસમયથી સહયોગી એવા કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદીને ટ્રમ્પે કોઇ ડહાપણભર્યું કામ કર્યુ નથી. ટ્રમ્પના વલણથી તો એમ લાગી રહ્યું છે કે અમેરિકાએ વિદેશોમાંથી કોઇ ચીજવસ્તુની આયાત કરવી જોઇએ નહીં. જોકે ટ્રમ્પનું આ વલણ અમેરિકાને ક્લોઝ્ડ ઇકોનોમી બનાવી શકે છે. ઉત્તર કોરિયા જેવો કટ્ટર સામ્યવાદી દેશ પણ અપનાવતો નથી તેવું ટ્રેડ વલણ ટ્રમ્પ અપનાવી રહ્યાં છે. 21મી સદીના વિશ્વમાં આ પ્રકારની નીતિ ક્યારેય સફળ થઇ શકે નહીં.
ટ્રમ્પ દ્વારા લગાવાઇ રહેલા ટેરિફના કારણે અમેરિકામાં ચીજવસ્તુઓના પૂરવઠા પર ગંભીર અસર પડી શકે છે. અમેરિકા શાકભાજીથી ફળફળાદિ સહિતના ખાદ્યપદાર્થો માટે મુખ્યત્વે મેક્સિકો પર આધારિત છે. ક્રુડ અને લાકડું તેને કેનેડા પાસેથી મળી રહે છે. ચીન પણ સંખ્યાબંધ માલસામાનની અમેરિકામાં નિકાસ કરે છે. ટ્રમ્પના આ પગલાંના કારણે અમેરિકામાં મોંઘવારી ઝડપથી વધવા લાગશે. હલકી ગુણવત્તાવાળા માલસામાનની બોલબાલા વધી જશે. ટ્રમ્પે અમેરિકાના અર્થતંત્ર પર જાતે જ કુઠારાઘાત કર્યો છે. અમેરિકામાં મેક્સિકો, કેનેડા અને ચીનથી આવતો માલસામાન મોંઘો તો થશે જ પરંતુ સામે પક્ષે મેક્સિકો અને કેનેડાએ પણ વળતા ટેરિફ લાદવાની જાહેરાતો કરી છે. જેના પગલે અમેરિકી નિકાસો પણ પ્રભાવિત થશે. અમેરિકા પ્રતિ વર્ષ 155 બિલિયન ડોલરની નિકાસો કેનેડામાં કરે છે. ચીને તો અમેરિકાને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ઘસડી જવાની જાહેરાત પણ કરી દીધી છે.
ટ્રમ્પના આ કારનામાના કારણે સરેરાશ અમેરિકન પરિવાર પર વાર્ષિક 1000થી 1200 ડોલરનો બોજો વધી જવાનો છે. ટેરિફના કારણે ફુગાવાનો દર 3 ટકા પર પહોંચી જશે અને અમેરિકાના જીડીપીમાં 1.5 ટકાનો ઘટાડો નોંધાઇ શકે છે.