દાહોદઃ સંજેલીમાં પતિ જેલમાં હોવાથી મહિલા પોતાના પ્રેમી સાથે રહેતી હોવાનું સાસરિયાંથી સહન ન થતાં સાસરિયાંએ પ્રેમીના ઘરે ધસી જઈ સાંકળનો એક છેડો બંને હાથે અને બીજો છેડો બાઇક પાછળ બાંધીને તેનું સરઘસ કાઢ્યુ હતું. એટલું જ નહીં પુત્રવધૂનાં કપડાં કાઢી અર્ધનગ્ન પણ કરી દેવાઈ હતી. ઢાળસીમળથી નાની ભુગેડી અને ત્યાંથી ફરીથી ઢાળ સીમળ લાવી એમ અજુગતી અવસ્થામાં તેને 6 કિ.મી. ફેરવાઈ હતી. આ મામલે પોલીસે 15 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.
ફતેપુરાના તાલુકાના ભીચોર ગામની યુવતીના સંજેલીના ઢાળસીમળ ગામે 15 વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં, જેને 12, 9 અને 6 વર્ષની ઉંમરનાં 3 સંતાનો છે. લોકડાઉન દરમિયાન મહિલા અને તેનો પતિ ગામના ગોવિંદ રાઠોડના ભેંસોના તબેલામાં મજૂરી કરતાં હતાં, ત્યારે મહિલા અને ગોવિંદ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. 4 માસથી મહિલા પ્રેમી ગોવિંદ સાથે ઢળસીમળમાં પત્ની તરીકે રહેતી હોવાની સાસરિયાંને જાણ થતાં 28 જાન્યુઆરીએ 15 લોકોનું ટોળું ગોવિંદના ઘરે ધસી ગયું હતું.
મહિલાના બંને હાથ બાંધી રાજુ ડામોરના ઘરે લઈ જવાઈ હતી. જ્યાંથી તેને સાંકળથી બાઇક સાથે બાંધી રાજુ ડામોર અને તેની પત્નીએ તેનું સરઘસ કાઢ્યું હતું.