ગાંધીનગરઃ ચેટ જીપીટી જેવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સ ક્રિટિકલ થિન્કિંગનો વિકલ્પ નથી, દેશ લોકોની બુદ્ધિ દ્વારા જ પ્રગતિ કરશે, A1 દ્વારા નહીં. તેવું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મૂકેશ અંબાણીએ પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU)ના 12મા દીક્ષાંત સમારોહમાં જણાવ્યું હતું. આ સદીના અંત પહેલાં ભારત વિશ્વનું સૌથી સમૃદ્ધ રાષ્ટ્ર બની જશે, પરંતુ વિકાસથી પૃથ્વીને જોખમમાં મૂકવું જોઈએ નહીં તેમ તેમણે પદવીદાન સમારંભમાં ઉમેર્યું હતું. પદવીદાન સમારોહમાં કોટક મહિન્દ્રા બેન્કના સ્થાપક ઉદય કોટક મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે વાત કરતાં તેમણે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે, તમારે શીખવાના સાધન તરીકે AI નો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ તમારી પોતાની નિર્ણાયક વિચારસરણી છોડવી જોઈએ નહીં. તમારે ચોક્કસપણે ચેટ જીપીટીનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ યાદ રાખવું જોઈએ કે, આપણી પ્રગતિ પોતાની ઇન્ટેલિજન્સ થકી જ થઈ શકે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા નહીં. ઝડપી તકનિકી પ્રગતિના આ યુગમાં સતત શીખવાની ઇચ્છા એ કોઈ વિકલ્પ નથી, તે અસ્તિત્વ અને સફળતા માટે આવશ્યક છે. તેથી ક્યારેય શીખવાનું બંધ ન કરતા તેવી સલાહ આપી હતી.
મુખ્ય અતિથિ ઉદય કોટકે તેમના સંબોધનમાં વિદ્યાર્થીઓને પૈસા નહીં પણ શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે સલાહ આપી હતી. તમે જીવનમાં જે પણ કરો છો, ગુણવત્તા અને શ્રેષ્ઠતા પર ધ્યાન કેન્દ્રિત કરો, કારણ કે જો આપણે બંને હાંસલ કરીશું તો નાણાકીય પરિણામ સહિત દરેક વસ્તુનું પરિણામ અનુસરશે. પૈસાનો પીછો ન કરો, શ્રેષ્ઠતાનો પીછો કરો. તેમણે યુનિવર્સિટીને ફાઇનાન્સ સ્ટ્રીમમાં કોર્સ ઓફર કરવા માટે પણ સૂચન કર્યું હતું.