નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે આગામી નાણાકીય વર્ષ 2025-26 માટે રજૂ કરેલા બજેટમાં ગુજરાતને ધ્યાનમાં રાખી મોટી ભેટ અપાઈ છે. ગિફ્ટસિટીમાં કાર્યરત્ નાણાકીય એકમોને અગાઉથી જાહેર કરેલી ટેક્સ એક્ઝેક્શન, ડિડક્શન અને રિલોકેશનની જોગવાઈઓ 2030ના માર્ચ મહિના સુધી લંબાવાઈ છે. આ આઇએફએસસી સેન્ટરમાં વધુ નાણાકીય રોકાણ આકર્ષવા શિપ લીઝિંગ યુનિટ, વીમા કંપનીઓ અને ટ્રેઝરી સેન્ટર્સને વિશેષ લાભ અપાયા છે. બજેટમાં મેરિટાઇમ ક્લસ્ટરને વિકાસ માટે રૂ. 25 હજાર કરોડના ફંડની જાહેરાતથી ગુજરાતમાં વહાણવટા ઉદ્યોગને મોટું પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત ક્લીન એનર્જીને પ્રોત્સાહન આપવા સરકારે જાહેર કરેલા ન્યુક્લિયર એનર્જી એક્સપાન્શન પ્રોગ્રામ હેઠળ 2047ના વર્ષ સુધીમાં ગુજરાતમાં આવેલો ન્યુક્લિયર એનર્જી પ્લાન્ટ 100 ગિગાવોટની ક્ષમતાનો બનાવવા માટે યોજના રજૂ કરાઈ છે.
આ બજેટમાં કોટન પ્રોડક્ટિવિટી મિશનની જાહેરાત કરાઈ છે. તેમાં કપાસની ઉપજ વધારવા અને લાંબા તારના કપાસના ઉત્પાદનને બળ આપવા માટે પંચવર્ષીય યોજના જાહેર કરાઈ છે, જેમાં ગુજરાત કપાસ પકવતાં રાજ્યોમાં મોખરે હોઈ ગુજરાતના ખેડૂતોને મોટો લાભ મળશે. ઔદ્યોગિક ઉત્પાદક રાજ્ય તરીકે પ્રથમ આવતા ગુજરાતના સ્ટાર્ટઅપ અને એમએસએમઈ ઉદ્યોગોને લાભકર્તા રહેશે.
બજેટમાં 4 વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યુંઃ ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કેન્દ્ર સરકારનું બજેટ ગરીબ, યુવા, ખેડૂતો અને મહિલાઓને વિકસવાની તક આપશે. બજેટમાં આ ચાર વર્ગોનું ખાસ ધ્યાન રખાયું છે. કૃષિ, ઉદ્યોગ રોકાણ અને નિકાસ જેવા મહત્ત્વપૂર્ણ વિષયો ગુજરાતને આગળની દિશામાં લઈ જશે.
અપેક્ષાઓને પૂરું કરતું બજેટઃ પાટીલ
ગુજરાત ભાડપ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું કે, આ બજેટ સર્વાંગી વિકાસ માટેની અપેક્ષાને પૂરું કરનારું છે. નાણામંત્રીએ રજૂ કરેલું અંદાજપત્ર સર્વસમાવેશક છે. વડાપ્રધાન મોદીએ દેશના દરેક વર્ગ માટે તેમની જરૂરિયાતને ધ્યાને રાખી આ બજેટમાં જોગવાઈ કરાવી છે.