નવી દિલ્હીઃ ભાજપ વિશ્વમાં સૌથી મોટો રાજકીય પક્ષ હોવાનો દાવો કરે છે, ત્યારે દેશમાં તે રૂ. 7,113.80 કરોડના ભંડોળ સાથે સૌથી ધનિક પક્ષ પણ છે. જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પાસે માત્ર રૂ. 857.15 કરોડનું ભંડોળ છે તેમ ચૂંટણીપંચે જાહેર કરેલી વિગતોમાં જણાયું છે. દાન મેળવવામાં ભાજપ તો આગળ છે જ, પરંતુ કોંગ્રેસને મળેલા દાનમાં અગાઉના વર્ષની સરખામણીમાં 87 ટકાનો વધારો થયો છે.
ચૂંટણીપંચે વર્ષ 2023-24માં રાજકીય પક્ષોના ભંડોળની વિગતો જાહેર કરી હતી. ચૂંટણીપંચે જાહેર કરેલા રિપોર્ટ મુજબ ભાજપ પાસે રૂ. 7,113.80 કરોડનું જંગી રોકડ અને બેન્ક બેલેન્સ છે. 2024 લોકસભા ચૂંટણી વર્ષ હોવાથી ભાજપે વર્ષ 2023-24માં રૂ. 1,754.06 કરોડનો ખર્ચ કર્યો હતો, જે વર્ષ 2022-23માં રૂ. 1,092 કરોડ કરતાં 60 ટકાનો ઊછાળો દર્શાવે છે. ભાજપને લોકસભા ચૂંટણી પહેલાં કુલ રૂ.3,967.14 કરોડ દાનસ્વરૂપે મળ્યા હતા. જો કે પક્ષને મળેલા દાનમાં ઇલેક્ટોરલ બોન્ડનો હિસ્સો ઘટીને અડધો થઈ ગયો હતો.