વિવિધ પ્રકારની અટકળો વચ્ચે ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને 1 ફેબ્રુઆરીના રોજ વર્ષ 2025-26 માટેનું પોતાનું સતત 8મુ બજેટ રજૂ કર્યું. છેલ્લા કેટલાક ત્રિમાસિકથી સ્થાનિક માગમાં ઘટાડો, એફડીઆઇ અને ખાનગી રોકાણમાં ધોવાણ, વેતન વધારાની મંદ ગતિ જેવા વિવિધ પરિબળોના કારણે ભારતીય અર્થતંત્રની ગાડી ખોડંગાઇ રહી હતી અને જીડીપી વૃદ્ધિદરમાં સતત ઘટાડો થઇ રહ્યો હતો. નિર્મલા સીતારામને ભારતીય અર્થતંત્રને પરેશાન કરતી સમસ્યાઓના ઉકેલ માટે આવકારદાયક પ્રયાસો કર્યાં છે. તેમણે નક્કી કરેલી પ્રાથમિકતાઓ નજર નાખીએ તો એવું પ્રતીત થઇ રહ્યું છે કે સરકાર સાવધ અભિગમ અપનાવી તો રહી છે પરંતુ ખાતરી નથી કે સમસ્યાઓનો ઉકેલ આવી જ જશે.
મોદી સરકારે માગમાં વધારો કરવા અને અર્થતંત્રને વેગ આપવા નોંધપાત્ર કરરાહતો આપવાનો વિકલ્પ અપનાવ્યો છે. જોકે આ વિકલ્પ બેધારી તલવાર જેવો છે. કરરાહતોના કારણે સરકાર પાસે જાહેર ખર્ચ વધારવાનો અવકાશ ઘટી ગયો છે. સતત વધી રહેલા ફુગાવાના કારણે મધ્યમવર્ગના હાથમાં વધુ નાણા આપવા એ આવકારદાયક પગલું છે. પગારદાર કરદાતાઓને રાહત આપી હોવા છતાં બજેટમાં ડાયરેક્ટ ટેક્સની આવક વધારવાનો પ્રયાસ કરાયો છે. આ વખતના બજેટનું મુખ્ય આકર્ષણ રૂપિયા 12 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવનાર કરદાતાને કોઇ આવકવેરો ચૂકવવો નહીં પડે. પગારદાર અને મધ્યમ વર્ગમાં માગ વધારવા માટે સરકાર દ્વારા આ પગલું લેવાયું છે. કરદાતાઓના ખિસ્સામાં વધુ નાણા રહેતાં માગ અને વપરાશને વેગ મળશે તેવી અપેક્ષા રાખી શકાય. ભારતમાં આવકવેરો ચૂકવનારા કરદાતાઓની સંખ્યા નજીવી છે. તેથી જ સરકારો હવે આવકવેરાને બદલે જીએસટી જેવા ઇનડાયરેક્ટ ટેક્સ પર વધુ આધારિત બની રહી છે. આવકવેરાના દાયકામાં સમાજનો અમુક વર્ગ જ આવે છે જ્યારે જીએસટીના દાયરામાં સમાજનો છેવાડાનો માનવી પણ આવી જાય છે. ડાયરેક્ટ ટેક્સ ચૂકવી રહેલો મધ્યમવર્ગ લાંબા સમયથી રાહતની માગ કરી રહ્યો હતો જેના પર આ વખતના બજેટમાં વિશેષ ધ્યાન અપાયું છે.
ભારતના પગારદાર મધ્યમવર્ગને નવા પગલાંથી કેટલો લાભ થશે તે હજુ સ્પષ્ટ નથી. આ પગલું માગ વધારશે અને આર્થિક વિકાસના ચક્રને ગતિ આપશે તે પણ નિશ્ચિત નથી. જોકે એક વાત તો કહી શકાય કે મોદી સરકારે લોકલુભાવન પગલાં દ્વારા પોતાની રાજકીય સ્થિતિ તો મજબૂત કરી જ લીધી છે.