બેંગલુરુની વિશેષ સીબીઆઇ કોર્ટે બુધવારે તમિલનાડુનાં પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની જપ્ત કરાયેલી સંપત્તિને તામિલનાડુ સરકારને ટ્રાન્સફર કરવા આદેશ કર્યો છે. જેમાં ચેન્નઈસ્થિત રહેઠાણ, બેન્ક ડિપોઝિટ, 700 કિલો ઘરેણાં, 11 હજારથી વધુ સાડી અને 750 જૂતાં સામેલ છે.
• 20 વર્ષમાં ઇડીએ રૂ. 1.5 લાખ કરોડની સંપત્તિ જપ્ત કરીઃ દેશમાં મની લોન્ડરિંગ અને તેનાથી જોડાયેલા કેસો પર નજર રાખનારી ઈડીના આંકડા મુજબ આ કાયદા હેઠળ અત્યાર સુધી રૂ. 1.5 લાખ કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ 9 મહિનામાં જ રૂ. 21,370 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
• ટેક કંપનીના સંસ્થાપકનું ઇડીના સર્ચ સમયે મૃત્યુઃ મુંબઈ સ્થિત ટેક્નોલોજી કંપની વકરાંગાના 62 વર્ષીય સંસ્થાપક, પ્રમોટર અને ચેરમેન એમેરિટસ દિનેશ નંદવાનાનું તેમના અંધેરીના નિવાસસ્થાને શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ઓપરેશન દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું. પોલીસે આ અંગે આકસ્મિક મૃત્યુની નોંધ કરી છે.
• 3 ઇઝરાયલી, 183 પેલેસ્ટિનિયન મુક્ત કરાયાઃ હમાસે શનિવારે 3 ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા, જ્યારે ઇઝરાયલે 183 પેલેસ્ટિનિયન કેદીને જેલથી છોડ્યા. આ મુક્તિ સંઘર્ષવિરામ સમજૂતીના ચૌથા તબક્કાનો હિસ્સો હતી. મુક્ત થયેલા 183 પેલેસ્ટિનિયન કેદી પૈકી 111ની હમાસના હુમલા બાદ ધરપકડ થઈ હતી.
• ઇરાનમાં 3 ભારતીય લાપતાઃ ઇરાનમાં 3 ભારતીય નાગરિક ગુમ થઈ ગયા છે, જેની ભારત સરકારે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે (એમઈએ) આ મુદ્દાને તહેરાન સમક્ષ ગંભીરતાથી ઉઠાવ્યો છે. પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, દિલ્હીમાં ઇરાની દૂતાવાસ અને તહેરાનમાં ઈરાની વિદેશ મંત્રાલયની સાથે સંપર્કમાં છીએ.
• સાઉદીમાં ભીષણ માર્ગ અકસ્માત 9 ભારતીયનાં મોતઃ સાઉદી અરબસ્તાનના પશ્ચિમ વિસ્તારમાં આવેલાં જીઝાન પાસે થયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 9 ભારતીયોનાં મૃત્યુ થયાં હતાં. બુધવારે જેદ્દાહ સ્થિત ભારતીય ઉપદૂતાવાસે આ માહિતી આપી હતી. આ સાથે ઉપદૂતાવાસના અધિકારીએ જણાવ્યું હતું કે, અમે તે મૃતકોનાં સગાં-વહાલાંના સંપર્કમાં છીએ.