ભુજઃ 22,700 હેક્ટરમાં ફેલાયેલું કચ્છનું છારીઢંઢ વેટલેન્ડ ગુજરાતનું એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ છે. છારીઢંઢ વિસ્તાર એક છીછરી રકાબી જેવો આકાર ધરાવતો વિસ્તાર હોવાથી આસપાસનું પાણી અહીં એકત્રિત થઈ સરોવર બને છે. દરવર્ષે નવેમ્બરથી માર્ચ સુધી 5,000 કિ.મી. દૂર સાઇબેરિયા, રશિયાથી 300થી વધુ પ્રજાતિનાં પક્ષીઓ અહીં શિયાળો પસાર કરે છે.
પહેલા પક્ષીનું એક ગ્રૂપ સરવે કરી જાય છે
એક લાખથી વધુની સંખ્યામાં રશિયાથી આવતાં સાઇબેરિયન ક્રેન નવેમ્બરમાં છારીઢંઢ આવે તે ક્રેન (કુંજ) પક્ષીનું એક ગ્રૂપ ગુજરાતના સૌથી મોટા વેટલેન્ડમાં આવીને સરવે કરી જાય છે. પાણી કેટલું છે, સુરક્ષિત જગ્યા છે કે નહીં વગેરે અનુકૂળ વાતાવરણ લાગે ત્યારે જ બાકીનાં પક્ષીઓને બોલાવી લાવે છે. આ પ્રક્રિયા દરવર્ષે થતી હોવાનું સ્થાનિકો જણાવે છે. સ્થાનિકોને આશા છે કે આ વખતે પક્ષીઓના કારણે વિન્ટર ટૂરિઝમને વેગ મળશે.
આ રીતે પડ્યું ‘છારીઢંઢ’ નામ
ભુજથી 80 કિલોમીટર દૂર નખત્રાણા તાલુકાના છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ ફોરેસ્ટની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે આસપાસ પડતા વરસાદનું પાણી પણ રકાબી જેવા આ વિસ્તારમાં એકઠું થાય છે. કોઈપણ વસ્તુનો ખૂબ જ જથ્થો હોય તેને કચ્છીમાં ઢંઢ કહે છે. પાણીનો પુષ્કળ જથ્થો હોવાથી આ વિસ્તારનું નામ ‘છારીઢંઢ’ પડ્યું છે.