સ્વસ્થ જીવનનો અમૂલ્ય ખોરાક એટલે યોગ, આસન અને મુદ્રા

બાદલ લખલાણી Wednesday 05th February 2025 05:55 EST
 
 

ગુજરાત સમાચાર જ્ઞાનયજ્ઞને સેવાયજ્ઞની સાથે લોકકલ્યાણ અને સ્વાસ્થ્યને પણ એટલું જ મહત્ત્વ આપે છે. આ જ દૃષ્ટિકોણથી ગુજરાત સમાચારના તંત્રી-પ્રકાશક સી.બી. પટેલે સોનેરી સંગતના 44મા અધ્યાયમાં ચોથી વખત યોગ શિક્ષક કમુબહેન પલાણને આમંત્રણ આપતાં કહ્યું કે, સ્વસ્થ તન અને મનથી માણસને જીવવાનું જોમ મળે છે, જેમાં કમુબહેન મહત્ત્વપૂર્ણ કાર્ય કરી રહ્યાં છે.
પહેલું સુખ તે જાતે નર્યાં. એનએચએસની દવા લઈએ એટલે તન-મનનું સુખ પ્રાપ્ત થાય તે જરૂરી નથી. આપણે પણ આપણી રીતે પ્રયત્ન કરવો પડે અને કમુબહેન જેવાં આપણા માર્ગદર્શકનો લાભ લેવો જોઈએ.
કમુબહેન પલાણે સૌપ્રથમ વરુણા મુદ્રા સાથે ઓમકારનું જ્ઞાન આપ્યું. જેમાં સૌપ્રથમ ટચલી આંગળી હથેળીમાં બને તેટલી નીચે રાખી તેના પર અંગૂઠો મૂકવો અને બને તેટલું દબાણ આપવું. આ સમયે હથેળી આકાશ તરફ રાખી બાકીની ત્રણ આંગળી સાથે રાખવી ઓમકારનો જપ કરવો. આ સમયે ઊંડો શ્વાસ લેવો. વરુણા મુદ્રા શરીરમાં વધારે પાણી હોવાથી થતા સોજાને દૂર કરે છે. ફેફસાં સહિત શરીરનાં કોઈપણ અંગમાં પાણી ભરાતું હોય ત્યારે વરુણા મુદ્રા તેનો રામબાણ ઇલાજ છે.
હાલના સમયમાં અનેક લોકો લિવરની બીમારીથી પીડાય છે. ફેટી લિવર, ઇન્ફેક્શન કે લિવરને લગતી કોઈપણ તકલીફના દર્દીએ એક કસરત ખાસ કરવી જોઈએ. હાથને છાતીની સામે લાંબા કરી પાંચેય આંગળી ખુલ્લી રાખવી. આ સાથે લાંબા હાથ રાખી ઊંડો શ્વાસ લેવો અને થભા તરફ ખેંચી મુઠ્ઠી બંધ કરી નાક દ્વારા એકદમ શ્વાસને બહાર છોડવો. આમ કરવાથી બ્લડપ્રેશર પર કંટ્રોલમાં રહેશે અને છાતીમાં ચોંટી ગયેલો કફ પણ છૂટો પડી જશે.
શરીરમાં ચેપ લાગવાથી થતા દુખાવા અને બળતરા માટે કાકી મુદ્રા અક્સીર છે. જેમાં બંને હાથને સાથળ પર જ્ઞાનમુદ્રામાં રાખી હથેળીને આકાશ તરફ રાખી ખુલ્લા મોઢે ઊંડો શ્વાસ લેવો. શ્વાસને 5થી 10 સેકન્ડ સુધી રોકી નાક દ્વારા શ્વાસ બહાર કાઢો. શરીરના કોઈપણ અંગમાં ચેપ લાગવામાં કાકી મુદ્રા ખૂબ ઉપયોગી થશે.
છાતીમાં જ્યારે ભારે કફ જામી ગયો હોય અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવી સ્થિતિમાં બંને હાથે મુઠ્ઠી વાળી બંને અંગૂઠા ભેગા કરવા અને બંને હાથને સામસામે ઉપર-નીચે કરી રબ કરવા. આની સાથે શ્વાસ લઈ આરામથી છોડવો. આમ કરવાથી તમારી છાતીમાં થયેલો ભરાવો તરત જ ક્લીયર થઈ જશે. આમ કરવાથી તમારી બંધ નસો પણ ખૂલી જશે.
ઉંમર થતાં નબળા પડેલાં હાડકાંને મજબૂત કરવા માટે બંને હાથની આંગળીઓ ખોલીને સામસામે જોશથી ભરાવવી અને પાછી ખેંચી તેનું પુનરાવર્તન કરવું. થોડીવાર બાદ બંને અંગૂઠાને ખોલીને તેના મૂળના ભાગેથી જોશથી ભરાવવા.
અનિદ્રાથી પીડાતા લોકોએ કાનની બૂટની પાછળના ભાગની ખાલી જગ્યાએ આંગળી મૂકી ગોળગોળ ફેરવવી. આનાથી અનિદ્રાની સમસ્યા તો દૂર થશે જ, સાથેસાથે અન્ય ઘણા ફાયદા પણ છે. બ્લડમાં રહેલી અતિરિક્ત શર્કરા ઘટવાની સાથે વર્ટિગો ઘટશે અને શ્રવણશક્તિમાં વધારો થશે.
ઉંમરની સાથે લોકોમાં ઘૂંટણનો દુખાવો વધતો હોય છે. આ સ્થિતિમાં દુખાવો ધરાવતી પ્રત્યેક વ્યક્તિએ ડાબા હાથની રિંગ ફિંગર અને લોંગ ફિંગરના મિડલ નકલમાં પ્રેસ કરવું. આમ કરવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળશે.
શરીરમાં ચંદ્રનાડી અને સૂર્યનાડીને બેલેન્સ રાખવી ખૂબ જરૂરી છે. હાલતાં-ચાલતાં નાક એકદમ બ્લોક થઈ જાય છે, ત્યારે જમણા હાથથી જમણા તરફનું નામ દબાવવું. આ સમયે ડાબો હાથ જ્ઞાનમુદ્રામાં રાખવો. નાકની ડાબી તરફથી જ શ્વાસ લો અને છોડો. જમણી તરફનું નાક સૂર્યનાડીના આધારે છે, જેથી ચંદ્રનાડી ખૂલી રાખીને પહેલાં શરીરને ઠંડું કરવું. આ જ પ્રમાણે હવે ડાબા તરફનું નાક દબાવી જમણા નાકે શ્વાસ લો, એટલે કે સૂર્યનાડીને જાગ્રત કરો. આમ કરવાથી હેડેક અને માઇગ્રેનની સમસ્યાથી છુટકારો મળશે અને શ્વાસોશ્વાસ યોગ્ય થશે.
વધતા વાઇરસની વચ્ચે ઘણા લોકોને ઊધરસની સમસ્યા રહેતી હોય છે, તેના માટે કફ મુદ્રા સર્વોત્તમ છે. જેના માટે અંગૂઠો હથેળીમાં રાખી મુઠ્ઠી વાળો અને સાથળ પર મુઠ્ઠી ઊંધી રાખો. આ મુદ્રા દ્વારા ઊધરસમાં ચોક્કસ ફાયદો મળશે.
આજકાલ અનેક લોકો હર્નિયાથી પીડાતા હોય છે. હર્નિયાથી છુટકારા માટે નીચે બેસી બંને પગનાં તળિયાં ભેગાં કરવાં. આ સાથે બંને હાથ સાથળના જોઇન્ટ પર રાખવા અને અંગૂઠો પાછળ હોવો જોઈએ. અહીં ઊંડો શ્વાસ લીધા પછી શ્વાસ છોડવો. આ સમયે શ્વાસને રોકી ખભા ઉપર લઈ જાઓ અને હાથની આંગળીઓને સાથળના જોઇન્ટ પર દબાવો. આ સ્થિતિને 10 સેકન્ડ સુધી જાળવી રિલેક્સ થાઓ. આમ સતત કરતા રહો.
સોનેરી સંગતમાં હાજર પ્રેક્ષક દ્વારા કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવા અંગે પૂછવામાં આવતાં કમુબહેન પલાણે આસન બતાવ્યું. કમુબહેને કહ્યું કે તે માટે બંને હાથની રિંગ ફિંગર નીચે કરી તેના પર અંગૂઠો મૂકવો. આ આસન દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે, જેનાથી તમારું કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહેશે.
પ્રેક્ષકગણમાંથી ભારતીબહેને ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા અંગે પૂછતાં કમુબહેને જણાવ્યું કે, તેના માટે મંડુકા આસન જરૂરી છે. તેના માટે બન્ને હાથના અંગૂઠાને અંદર રાખી મુઠ્ઠી વાળી નાભિ પાસે રાખી ઊંડો શ્વાસ લેવો. શ્વાસ છોડતા સમયે તેને રોકી આગળની તરફ ઝુકવું. ડાયાબિટીસ માટે આ આસન સર્વશ્રેષ્ઠ છે.
કાર્યક્રમને સમાપન તરફ લઈ જતાં તંત્રી-પ્રકાશક સી.બી. પટેલે કહ્યું કે, કમુબહેનની ઉદારતા અને કર્તવ્યનિષ્ઠાને હું નમસ્કાર કરું છું. જો કે એટલું ચોક્કસ કહીશ કે તમામની તાસીર અને શારીરિક ક્ષમતા અલગ હોવાથી તે મુજબ જ યોગ-આસન અને મુદ્રા કરવાં જોઈએ. સોનેરી સંગત ‘રામ કી ચીડિયા-રામ કા ખેત’ છે. જેટલો ફાયદો લઈ શકો તેટલો લઈ લો. આપ સૌ ગુજરાત સમાચારના ગ્રાહક બનશો, તો ખૂબ કામમાં આવશે.


comments powered by Disqus