રાજકોટઃ ચારણી સાહિત્ય અને લોકસાહિત્યના વિદ્વાન કવિ તખતદાન રોહડિયા ‘દાન અલગારી’નું ટૂંકી બીમારી બાદ સાતમી જાન્યુઆરીએ અમદાવાદમાં અવસાન થયું હતું. તખતદાનનો જન્મ તેમના વતન મોરબીના વાવડી ગામે થયો હતો. તેમની ઉંમર ૮૫ વર્ષ હતી. અવિવાહિત રહીને લોકસાહિત્યની સાધના કરનારા તખતદાને જૂનાગઢ લોકસાહિત્ય વિદ્યાલયમાં ભીખુદાન ગઢવી, હરસૂર ગઢવી સહિત અન્ય નામાંકિત કલાકારો સાથે લોકસંગીત અને લોકસાહિત્યનો અભ્યાસ કર્યો હતો. તેમણે રાજકોટ, મુંબઈ, મદ્રાસ, દિલ્હી અને વિદેશમાં પણ લોકસંગીત ડાયરાના કાર્યક્રમો આપ્યા હતા. તેમની સુપ્રસિદ્ધ રચનાઓમાં ‘મોજમાં રહેવું મોજમાં રહેવું’, ‘મણિયારો તે હાલુ હાલુ’, ‘લડી લડી પાય લાગુ’, ‘કાનજીને કાંઈ નથી’ વગેરે લોકજીભે પ્રચલિત બની હતી. મોરારિબાપુના હસ્તે તેમને ‘કવિ કાગ એવોર્ડ’થી સન્માનિત કરાયા હતા. તેમનું ૪૨૦ પ્રાચીન દોહાઓનું પુસ્તક ‘દુહા દસમો વેદ’ પુસ્તક પણ પ્રકાશિત થયું હતું.
કેટલીય નામાંકિત ગુજરાતી ફિલ્મોમાં તેમના ગીતોનો સમાવેશ થયો હતો. પ્રફુલ્લ દવે, દમયંતીબહેન બરડાઈ, હેમંત ચૌહાણથી માંડીને કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર જેવા અનેક કલાકારોએ તેમની રચનાને અવાજ આપ્યો છે.