કાબૂલઃ અફઘાનિસ્તાનમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. દેશમાં ખૂલી રહેલા કેફે તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. મહિલાઓ અહીં ઈચ્છા પ્રમાણે કપડાં પહેરી શકે છે અને પુરુષો સાથે ડર્યા વિના વાતચીત પણ કરી શકે છે. અહીં તાલિબાની વિચારધારા ફગાવાઈ રહી છે.
૧૭ વર્ષની વિદ્યાર્થિની હદીસ લેસાની દેલીજામ કહે છે કે એકવાર મેકઅપ અને પશ્ચિમી ડ્રેસને લીધે એક રાહદારીએ તેને ફટકારી હતી. હદીસને એક છોકરા સાથે વાત કરવા બદલ એક મહિલાએ કહ્યું હતું કે, આ બધાથી દૂર રહે અને આવું ફરીવાર ન કરે, પણ આ કેફેમાં આ વાતો પર કોઈ ધ્યાન અપાતું નથી. કેફેમાં મહિલાઓ પોતાની અલગ ચીલો સ્થાપિત કરી રહી છે. હદીસ કાબૂલમાં રહે છે. તે કહે છે કે તાજેતરમાં હું એક કેફેમાં ગઈ હતી. ત્યાં હું આઝાદી અનુભવી રહી હતી. ત્યાં મેં માથું ઢાંક્યા વિના પ્રવેશ કર્યો. મન મુજબ વસ્ત્રો પણ પહેર્યાં અને ત્યાં હું છોકરાઓ સાથે વાતચીત પમ કરી શકું છું. કેફેમાં મહિલાઓની ચર્ચાનો વિષય અમેરિકા અને તાલિબાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તા છે. જોકે તેમને ડર લાગે છે કે ક્યાંક કટ્ટરપંથીઓના દબાણને લીધે અધિકાર ઘટાડી ના દેવાય. ૨૮ વર્ષીય કલાકાર મરિયમ ગુલામ અલી કહે છે કે અમે એકબીજાને એક જ વાત પૂછીએ છીએ કે જો ફરી તાલિબાનનું શાસન આવી જશે તો શું થશે? મહિલાઓની દૃષ્ટિએ અફઘાનિસ્તાનની સ્થિતિ સારી નથી. લગ્ન પહેલાં મહિલા પિતા-ભાઈના નિયંત્રણમાં રહે છે અને લગ્ન બાદ પતિના. મોટાભાગના લગ્ન પરિવારની ઇચ્છાથી થાય છે. છોકરીઓ જો ઇચ્છાથી લગ્ન કરી લે તો ઓનર કિલિંગ સામાન્ય વાત બની જાય છે.