માંચેસ્ટરઃ અહિંસક લડત અને સત્યાગ્રહ થકી સ્વતંત્રતા મેળવી વિશ્વ ઇતિહાસમાં ભારતની યશોગાથા સુવર્ણ અક્ષરે લખી મહાત્મા ગાંધીજીએ! તેમનામાં આ મૂલ્યોના બીજ વાવનાર, તેમના મનની મૂંઝવણોના પ્રસંગે તેમને તાત્ત્વિક અને સાથે સાત્ત્વિક તથા તાર્કિક દિશાનિર્દેશ કરનાર, તે યુગપુરુષ હતા શ્રીમદ્ રાજચંદ્રજી. આ નાટકના ભારતમાં બહુ જ ટૂંકા ગાળામાં ૪૫૦થી વધુ સફળ શો થઈ ચૂક્યા છે અને ૧૨૪ શોનું બુકિંગ પણ થઈ ચૂક્યું છે! આ નાટકનો પ્રથમ આંતરરાષ્ટ્રીય શો માંચેસ્ટરમાં શનિવારે ૨૭મી એપ્રિલે ડાન્સહાઉસ થિયેટરમાં યોજાયો હતો.
શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ ભક્ત અને શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈની ઉપસ્થિતિમાં યોજાયેલા આ શોમાં માંચેસ્ટર સિટી કાઉન્સિલના કાઉન્સેલર બસત શેખ અને માંચેસ્ટર મલ્ટી ફેઇથ સેન્ટરના ટ્રસ્ટી, ફેઈથ નેટવર્ક ફોર માંચેસ્ટરના વાઇસ ચેરપર્સન તથા પુરસ્કાર વિજેતા નવલકથાકાર મેડમ કૈસરા શરાઝ અને ઇન્ડિયન એસોસિયેશન ઓફ માંચેસ્ટરના કિમ ગાંધી પણ હાજર હતા.
યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજી સાથે મોહનદાસ ગાંધીની મુલાકાત, શ્રીમદ્જીની તેજસ્વી બુદ્ધિમત્તા તથા સ્મરણશક્તિનો તેમના પર પડતો પ્રભાવ, તેમાંથી ધાર્મિક સમજણ અને ક્રમશઃ અધ્યાત્મની ઓળખાણના પ્રસંગો એક નવા જ પરિમાણનું નિર્માણ કરે છે. પ્રામાણિકતા, પરદુઃખે દુઃખી થવાની કરુણાભાવના, બ્રહ્મચર્યનિષ્ઠા, સત્યનો આગ્રહ, અહિંસાનું માહાત્મ્ય – આ બધા જ ગુણો પ્રગટે છે શ્રીમદ્જીના માર્ગદર્શનથી! જીવનની વાસ્તવિક ઘટનાઓ વખતે તેમની સહાય મળે છે અને સર્જાય છે ઇતિહાસ. પ્રેક્ષકો જાણે દિવ્યતાનો, સાત્વિકતાનો સ્પર્શ અનુભવે છે; આ મૂલ્યોની સક્ષમતા સમજાય છે. આજે પણ સુખી સમાજનું નવનિર્માણ આ મૂલ્યો થકી શક્ય છે. એવી સકારાત્મક છાપ નાટક જોનાર કોઈપણ ધર્મ, વય, જાતિ કે પ્રદેશના પ્રેક્ષકના દિલમાં સદાકાળ અંકિત થઈ જાય છે. ‘યુગપુરુષ’માં દર્શાવવામાં આવેલા મૂલ્યો અને સિદ્ધાંતોથી અભિભૂત થયેલ ‘યુગપુરુષ’શ્રી રાજેશ જોશી દ્વારા દિગ્દર્શિત, શ્રી ઉત્તમ ગડા લિખિત અને સંગીતકાર સચીન-જીગરની બેલડીના સંગીતથી મઢ્યું સર્જન છે. આ વર્ષે ટ્રાન્સમિડિયા સોફ્ટવેર લી. દ્વારા યોજાયેલા ટ્રાન્સમિડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ્સના પ્રતિષ્ઠિત સમારોહમાં ‘યુગપુરુષ’ બેસ્ટ ડ્રામા, બેસ્ટ ડાયરેક્ટર – રાજેશ જોશી અને બેસ્ટ એક્ટર ઈન સપોર્ટીંગ રોલ – પુલકીત સોલંકી, આ ત્રણ એવોર્ડ્સ જીતીને છવાઈ ગયું! વળી હાલમાં જ ‘બેસ્ટ ડ્રામા’નો દાદા સાહેબ ફાળકે એક્સલન્સ એવોર્ડ પણ તેને એનાયત કરવામાં આવ્યો હતો.
આ અદ્ભુત નાટકના વિક્રમોની વણઝાર હજી ચાલુ છે. તેના ગુજરાતી શોનો વર્લ્ડ પ્રિમીયર મુંબઈમાં ૪,૫૦૦ પ્રેક્ષકો વચ્ચે થયો હતો. તેના ફક્ત એક જ મહીનામાં રોયલ ઓપેરા હાઉસમાં તેના હિન્દી શોની ભવ્ય રજૂઆત થઈ હતી. તેના કન્નડ શોની રજૂઆત બેંગલૂરૂ વિધાનસભામાં થઈ હતી. ૧૦મી એપ્રિલે તેનો મરાઠી શો થયો હતો. અંગ્રજી, તામિલ તથા બંગાળી ભાષાઓમાં પણ આ નાટક તૈયાર થઈ રહ્યું છે. આટલી ભાષાઓમાં, એક સાથે ૬ ટીમ દ્વારા વિવિધ સ્થળોએ એક સાથે જ એક જ નાટકની રજૂઆત એ રંગભૂમિની દુનિયાનો એક અનોખો ઇતિહાસ છે! ભારતના ૧૬૧ જેટલાં શહેરોમાં ૪૫૦થી વધુ શો દ્વારા ૩ લાખથી વધુ પ્રેક્ષકો ‘યુગપુરુષ’ દ્વારા શ્રીમદ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજંયતી હર્ષ, આનંદ અને અહોભાવ સાથે ઉજવી ચૂક્યા છે! આ જ વર્ષમાં તે વિશ્વના વિવિધ દેશો જેવા કે મેમાં યુરોપ, જુન-જુલાઈમાં ઉત્તર અમેરિકા, સપ્ટેમ્બરમાં મધ્ય-પૂર્વના દેશો તથા આફ્રિકા, નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા તથા દક્ષિણ-પૂર્વ એશિયામાં પણ રજૂ થશે.
૨૭મી એપ્રિલથી ૧૧મી મે સુધીની યુ.કે. ટુર દરમિયાન ‘યુગપુરુષ’ નાટક માંચેસ્ટર, લંડન, લેસ્ટર, બર્મિંગહામ, બોલ્ટન, સાઉધમ્પ્ટનમાં ગુજરાતી અને હિન્દી ભાષામાં રજૂ થશે. આમાંના કેટલાક શો હાઉસફૂલ થઈ ચૂક્યા છે,
આ નાટકમાંથી થતી સંપૂર્ણ આર્થિક આવક દક્ષિણ ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં અદ્યત્તન સાધનોથી સુસજ્જ ૨૦૦ બેડની મલ્ટી સ્પેશિયાલિટી ચેરિટી હોસ્પિટલના નિર્માણ અર્થે ઉપયોગમાં લેવાશે કે જે દક્ષિણ ગુજરાતના આદિવાસી અને આદિજાતિ, આર્થિક રીતે પાછળ એવા ગ્રામ્યજનો માટે સેવાનો લાભ આપશે.
ઓનલાઈન ટિકિટ ખરીદી માટે - www.yugpurush.org/uk, નાટકના શોના આગામી કાર્યક્રમો, પ્રતિભાવો માટે વેબસાઇટઃwww.yugpurush.org.ની મુલાકાત લેશો.