લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સમાં નવનિયુક્ત ભારતીય મૂળના લોર્ડ જિતેશ ગઢિયાએ વિશ્વના સૌથી પ્રાચીન ધર્મગ્રંથ ઋગ્વેદના પાઠના ઉપયોગથી ક્વીન એલિઝાબેથ દ્વિતીય પ્રતિ રાજ્યનિષ્ઠાના સોગંદ લેવા સાથે નવો ઈતિહાસ રચાયો હતો. અત્યાર સુધી કોઈ બ્રિટિશ ભારતીય ઉમરાવે સોગંદ લેવા ઋગ્વેદનો ઉપયોગ કર્યો નથી. લોર્ડ જિતેશ ગઢિયા ઓફ નોર્થવૂડ દ્વારા ઉપયોગમાં લેવાયેલો ઋગ્વેદનો ગ્રંથ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. તેમણે પ્રસિદ્ધ જર્મન વિદ્વાન મેક્સમુલર દ્વારા ૧૮૪૯માં સંકલિત અને પ્રકાશિત ઋગ્વેદના આ ૧૬૭ વર્ષ જૂના પુસ્તકને ખરીદી બ્રિટિશ પાર્લામેન્ટને ભેટમાં આપ્યું છે.
સોગંદવિધિ અને તે પછીના ભારતીય પરંપરા અનુસાર સંપૂર્ણ શાકાહારી આસ્વાદના ભોજન સમારંભમાં તેમના ૯૦ વર્ષીય દાદી ગુલાબબહેન ગઢિયા, માતા હંસાબહેન અને પત્ની અંજલિબહેન સહિત પરિવાર અને મિત્રો ઉપસ્થિત હતા. હાઉસ ઓફ લોર્ડ્સ ટેરેસમાં હિન્દુસ્તાની સંગીતના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
લોર્ડ ગઢિયાએ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘આ સમારંભમાં મારા પરિવારની અનેક પેઢીની મારી સાથે ઉપસ્થિતિ અતિ મહત્ત્વની છે. આખરે તો આ મુસાફરી નોંધપાત્ર છે, જેમાં નિકટતમ અને સ્નેહીજનોને સહભાગી બનાવવાનો આનંદ છે.’ એક તસવીરમાં લોર્ડ ગઢિયા તેમના ૯૦ વર્ષીય હસમુખા દાદીમા ગુલાબબા સાથે નજરે પડે છે. બીજી પારિવારિક તસવીરમાં ડાબેથી, લોર્ડ ગઢિયાના માતુશ્રી હંસાબહેન, કુ. ઈશા ગઢિયા, લોર્ડ જિતેશ ગઢિયા, કુ. પ્રિયાના ગઢિયા, લેડી અંજલિ ગઢિયા, માસ્ટર દેવ ગઢિયા, કુ. જિયા ગઢિયા, કેતનભાઈ ગઢિયા અને શ્રીમતી નીપા ગઢિયા દૃશ્યમાન થાય છે.
પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને ગયા મહિને જાણીતા ઈન્વેસ્ટમેન્ટ બેન્કર, યુકે-ઈન્ડિયા સીઈઓ કાઉન્સિલના સભ્ય અને ગુજરાતી મૂળના બિઝનેસમેન લોર્ડ ગઢિયાને બ્રિટિશ પાર્લામેન્ટના ઉપલા ગૃહમાં જોડાવા નોમિનેટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ડેવિડ કેમરને તેમની સોગંદવિધિની બપોર પછી સાંસદપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હોવાથી લોર્ડ ગઢિયા માટે આ દિવસ મિશ્ર લાગણીસભર બની રહ્યો હતો. લોર્ડ ગઢિયાએ ડેવિડ કેમરનને ભારતના પરમ મિત્ર ગણાવી તેમના અને સામન્થાના ભાવિ અંગે શુભેચ્છા પાઠવી હતી.