લંડનઃ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી સુરેશ દલાલ લિખિત પ્રસિદ્ધ કવિતા ‘કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે’નું અંગ્રેજીકરણ ચેલ્ટેનહામના આ દંપતીના જીવનમાં જોવાં મળ્યું છે. પાત્રો બદલાઈ ગયા છે. કમાલ કરતી ડોસીનું સ્થાન ૭૧ વર્ષના પેન્શનર ડોસાજી જ્હોન સ્ટોક્સે લીધું છે. પોતાની છાતીમાં કાતરના ૧૩-૧૩ ઘા કરનારી ૮૪ વર્ષીય પત્નીને પ્રગાઢ ચુંબન કરી તેને માફ કરી હોવાનું પ્રમાણ સ્ટોક્સે ગ્લોસ્ટર ક્રાઉન કોર્ટમાં આપ્યું હતું. આ પછી, જ્હોન સ્ટોક્સે પત્ની સાથે હાથમાં હાથ મિલાવી કોર્ટમાંથી વિદાય લીધી હતી.
વાત કાંઈક આમ હતી અને છે. અતિ પ્રેમ હોય ત્યાં ઈર્ષા અને શંકા પણ સ્થાન લે તેમાં કોઈ નવાઈ નથી. પતિને કોઈ લફરું હોવાની શંકા પત્નીને ગઈ અને તેણે તો ચેલ્ટેનહામના ઘરમાં જ કાતર લઈ પતિ પર હુમલો કર્યો અને ૧૩ ઘા મારી લોહીલુહાણ કરી નાખ્યો. પોલીસ કેસ થયો અને કોર્ટે ૨૦૧૪માં પત્નીને સાડા ચાર વર્ષની જેલની સજા ફરમાવી.
જ્હોન સ્ટોક્સને પત્ની પ્રત્યેનો પ્રેમ એટલો ગાઢ હતો કે તે ગત સપ્ટેમ્બરથી દર સપ્તાહે પત્નીને મળવા જેલ જતો હતો. હાલ પત્ની પેરોલ પર છૂટી હતી ત્યારે સ્ટોક્સે કોર્ટમાં જજને આ વાત કહી હતી અને પોતે પત્નીને માફ કરી હોવાનું પણ કહ્યું હતું. ક્રાઉન કોર્ટના જજ જેમી ટાબોર QC એ વૃદ્ધ પતિઅને પત્ની પોતાના સંબંધ પુનઃ વિકસાવી શકે તે માટે પત્ની પરના નિયંત્રણાત્મક આદેશો ઉઠાવી લીધા હતા.