લંડનઃ ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશન (IMO) દ્વારા ભારતની પ્રથમ મહિલા મર્ચન્ટ નેવી કેપ્ટન રાધિકા મેનનનું લંડનમાં વીરતા એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૫માં બંગાળની ખાડીમાં ફસાયેલા એક હોડીના સાત માછીમારોને બચાવવા માટે તેમને આ એવોર્ડ એનાયત કરાયો હતો. કેપ્ટન રાધિકા ઈન્ડિયન નેવીની પ્રથમ મહિલા કેપ્ટન હોવાં ઉપરાંત સમુદ્રમાં લોકોને બચાવવા માટે સન્માન મેળવનારાં પણ પ્રથમ મહિલા છે.
લંડનમાં IMOના હેડક્વાર્ટર ખાતે યોજાયેલા સમારંભમાં એવોર્ડ સ્વીકારતાં કેપ્ટન રાધિકાએ જણાવ્યું હતું,‘ મને આ એવોર્ડ સ્વીકારતાં મારાં માટે તેમજ મારી ટીમ માટે ગર્વની લાગણી થાય છે. મુશ્કેલીમાં ફસાયેલા લોકોને મદદ કરવી તે એક નાવિકની મુખ્ય ફરજ છે. હું જે પ્રકારના જહાજ પર ફરજ બજાવું છું ત્યાં મહિલા હોય કે પુરુષ તેનાથી કોઈ જ ફરક પડતો નથી. મેં મારું કર્તવ્ય કર્યું છે.’
ગયા વર્ષે જૂનમાં શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના મોટા ઓઈલ ટેન્કર જહાજ ‘સંપૂર્ણ સ્વરાજ’નો કમાન્ડ રાધિકા મેનન પાસે હતો. આ જહાજના સેકન્ડ ઓફિસરે ઓડિશાના ગોપાલપુરના કિનારાથી અઢી કિ.મી.ના અંતરે દરિયામાં આ માછીમારોને મુશ્કેલીમાં જોયા હતા. તેમને બચાવવા માટે કેપ્ટન રાધિકાએ પોતાનો જીવ જોખમમાં મૂકીને દરિયામાં ઉછળતાં નવ મીટર ઉંચા મોજાં અને ૬૦થી ૭૦ નોટિકલ માઈલની ઝડપે ફૂંકાતા પવન વચ્ચે તેમણે માછીમારોને બચાવવા માટે રાહત અભિયાન હાથ ધરવાનો આદેશ આપ્યો હતો.