લંડનઃ ઈંગ્લેન્ડમાં ગત ઓક્ટોબરથી ખરીદારો પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ માટે પાંચ પેન્સનો ચાર્જ લગાવાયા પછી તેના વપરાશમાં ૮૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષના સાત બિલિયન બેગ્સના વપરાશ સામે પ્રથમ છ મહિનામાં ૫૦૦ મિલિયનથી થોડી વધુ બેગ્સ વપરાઈ છે. સ્કોટલેન્ડ, વેલ્સ, નોર્ધર્ન આયર્લેન્ડમાં સફળ અમલ પછી ઈંગ્લેન્ડમાં આ યોજના દાખલ કરાઈ હતી.
ખરીદારો પર ચાર્જ લદાયા પહેલા સાત મુખ્ય સુપરમાર્કેટ્સમાં ૭.૬ બિલિયન પ્લાસ્ટિક બેગ્સ મફત અપાતી હતી, જે વ્યક્તિદીઠ ૧૪૦ બેગ્સ અને કુલ ૬૧,૦૦૦ ટન પ્લાસ્ટિક જેટલી થતી હતી. આ ચાર્જ લગાવાયા પછી તેમાં નોંધપાત્ર ઘટાડો જોવાં મળ્યો છે. પર્યાવરણ, અન્ન અને ગ્રામીણ બાબતો (Defra) વિભાગ અનુસાર આ પછી, રીટેઈલર્સ દ્વારા ચેરિટીઝ અને કોમ્યુનિટી કલ્યાણ જૂથો સહિત સારા ઉદ્દેશો માટે ૨૯ મિલિયન પાઉન્ડથી વધુના ડોનેશન્સને પ્રોત્સાહન મળ્યું હતું.
દર વર્ષે વિશ્વના સમુદ્રોમાં ઠલવાતાં આશરે આઠ ટન પ્લાસ્ટિકથી સમુદ્રી પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચે છે. સસ્તન દરિયાઈ જીવોની ૩૧ પ્રજાતિ અને સમુદ્રી પક્ષીઓની ૧૦૦થી વધુ પ્રજાતિ દ્વારા પ્લાસ્ટિક ખવાતું હોવાનું પર્યાવરણ નિષ્ણાતો માને છે. પ્લાસ્ટિક બેગ્સના વિઘટન માટે સેંકડો વર્ષ લાગી જાય છે, પરંતુ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક કપ્સ અને પ્લાસ્ટિક ડ્રિન્ક્સ બોટલ્સ પર્યાવરણ માટે વધુ ખતરનાક પડકાર છે.