લંડનઃ બ્રેક્ઝિટ પ્રક્રિયા સંબંધિત કાનૂની યુદ્ધનો ચહેરો બની ગયેલા ઈન્વેસ્ટમેન્ટ બેન્કર જિના મિલરે બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મે વિરુદ્ધ કાનૂની કાર્યવાહી અભિયાનમાં નેતાગીરી સંભાળી છે. તેમણે એવી દલીલ કરી છે કે પાર્લામેન્ટ અને સાંસદોની મંજૂરી મેળવ્યા વિના યુરોપિયન યુનિયન છોડવા માટે લિસ્બન સંધિના આર્ટિકલ-૫૦ અન્વયે પ્રક્રિયા આરંભવાની કાનૂની સત્તા કેબિનેટના વ્યક્તિગત સભ્યો પાસે નથી. ટુંકમાં કહીએ તો, આર્ટિકલ-૫૦ અન્વયે બ્રેક્ઝિટ પ્રક્રિયા આરંભતા અગાઉ પાર્લામેન્ટ સાથે સલાહ-મસલત થવી આવશ્યક છે. લિસ્બન સંધિનો આર્ટિકલ-૫૦ યુકેના ઈયુ છોડવાની ઔપચારિક પ્રક્રિયાનું પ્રથમ કદમ જ છે.
જિના મિલરનો જન્મ ગયાનામાં થયો હતો પરંતુ, ઉછેર બ્રિટનમાં થયો છે. તેમના પિતા દૂદનાથ સિંહ ગયાનાના એટર્ની-જનરલ હતા. જિનાના ભાઈનું નામ ગેરી છે. જિનાએ ૨૦૦૯માં તેના ત્રીજા પતિ અને ૫૨ વર્ષીય ફંડ મેનેજર એલન સાથે મળીને ઈન્વેસ્ટમેન્ટ ફર્મ SCM Privateની સ્થાપના કરી હતી, જેનું નામ હવે SCM Direct છે. તેઓ વેસ્ટ લંડનના ચેલ્સીમાં રહે છે અને ૧૧ અને ૯ વર્ષના બે સંતાનના પેરન્ટ છે. જિના મિલરે ૨૦ વર્ષની વયે પ્રથમ લગ્ન કર્યાં હતાં જેનાથી ૨૮ વર્ષીય અક્ષમ પુત્રી લ્યુસી-એન પણ છે, જેને જન્મ સમયે ઓક્સિજન મળી શક્યો ન હતો. જિનાએ ધ ટાઈમ્સને જણાવ્યું હતું કે, ‘તે અત્યારે ૨૮ વર્ષની છે પરંતુ, તેની માનસિક વય માત્ર છ વર્ષની છે અને અત્યારે તેની સાથે જ રહે છે. આથી, લોકો મારાં વિશે ધારણાઓ બાંધે છે ત્યારે હું વિચારું છું કે તમે મને જરા પણ જાણતા નથી.’
જિનાનું બીજું લગ્ન વિવાદાસ્પદ ફાઈનાન્સિયર જોન મેગ્વાયર સાથે થયું હતું, જેના ઈન્વેસ્ટમેન્ટ ફંડે પાછળથી આશરે ૧૨૦ મિલિયન પાઉન્ડ ગુમાવ્યા હતા. જિનાની મુલાકાત ૨૦૦૨માં એલન મિલર સાથે થયા પછી તેણે મેગ્વાયર સાથેના લગ્ન તોડ્યાં હતાં. જિના મિલરે કહ્યું હતું કે ૧૩ વર્ષ અગાઉ તેમનું લગ્ન તુટ્યું તે પહેલા બિઝનેસમેન મેગ્વાયરે તેનું શોષણ કર્યું હતું અને તેના દ્વારા શારીરિક હુમલો કરાયા પછી જિનાને કાનૂની રક્ષણ પણ અપાયું હતું. જોન મેગ્વાયરે ૨૦૧૦ની સામાન્ય ચૂંટણીમાં એન્ટિ-બ્રસેલ્સ પ્લેટફોર્મ પરથી ઉમેદવારી કરી હતી. મેગ્વાયરનો સામનો કર્યા પછી જિનાને સરકાર સામે વડવાની પ્રેરણા મળી હતી.
જિના મિલરના ઓનલાઈન LinkedIn પેજ અનુસાર તેણે ઈસ્ટ સસેક્સના ઈસ્ટબોર્નની મોઈરા હાઉસ ગર્લ્સ સ્કૂલ અને તે પછી લંડનની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તે અગાઉ મોડેલ અને ચેમ્બરમેઈડ પણ રહી હોવાનું કહેવાય છે. જોકે, ઈન્વેસ્ટમેન્ટ અને પેન્શન ફંડ્સમાં પારદર્શિતાનું અભિયાન છેડવા બદલ તેઓ વધુ જાણીતા છે. જિના મિલર પતિ એલન સાથે લોન્ચ કરેલી મિલર ફિલાન્થ્રોપીના સ્થાપક અને ચેરમેન પણ છે. આ દંપતીએ ISAના ચાર્જીસ ઘટાડવા તેમજ ફાઈનાન્સિયલ સર્વિસીસ ઈન્ડસ્ટ્રીમાં ‘અપ્રામાણિકતા’ નાબૂદ કરવાના હેતુથી ‘ટ્રુ એન્ડ ફેર કેમ્પેઈન’ પણ આરંભી હતી. આ દંપતી રોયલ હોસ્પિટલ ચેલ્સી ખાતે માર્ગારેટ થેચર ઈન્ફર્મરી માટે મહત્ત્વના દાતા બની રહ્યાં છે.
વડા પ્રધાન થેરેસા મેના બ્રેક્ઝિટ પ્રક્રિયા અંગેના નિર્ણયને અટકાવવાના પ્રયાસમાં જિના મિલરે પ્રથમ તબક્કામાં લંડનની રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસની ન્યાયિક પ્રીવ્યૂ કાર્યવાહીમાં ત્રીજી નવેમ્બરે સફળતા પ્રાપ્ત કરી છે. જિના મિલરે લંડનસ્થિત સ્પેનિશ હેરડ્રેસર ડેર દોસ સાન્તોસ અને ગ્રેહામ પિગ્ને દ્વારા સ્થાપિત પીપલ્સ ચેલેન્જ ગ્રૂપ સાથે મળી બ્રેક્ઝિટ કાનૂની યુદ્ધનો આરંભ કર્યો છે. આ કેસને લોકભંડોળ કેમ્પેઈનનું સમર્થન પણ પ્રાપ્ત છે. તેમણે એવી દલીલ કરી છે કે સરકાર પાર્લામેન્ટ પાસે મંજૂરી મેળવ્યા વિના આર્ટિકલ-૫૦નું આહ્વાન કરી શકે નહિ. સરકારે આ કેસના ચુકાદા સામે અપીલ કરી છે અને સુપ્રીમ કોર્ટ ડિસેમ્બરમાં તેના પર વિચારણા હાથ ધરશે.