ઝિમ્બાબ્વેમાં સામન્થા મુરોઝોકીનો અન્નયજ્ઞઃ તેના રસોડે દરરોજ ૨૦૦૦થી વધુ લોકોની સેવા

Thursday 09th July 2020 02:33 EDT
 
 

હરારેઃ કોરોના વાઈરસ મહામારીમાં પણ માનવતા મરી પરવારી નથી તેવા અનેક ઉદાહરણ જોવાં મળ્યાં છે. ઝિમ્બાબ્વેની રાજધાની હરારેની બહાર ચિટુન્ગ્વિઝા ટાઉનશિપમાં સેંકડો લોકો ભોજન મેળવવાની લાઈનમાં ઉભા હોય તો સમજી શકાય કે તેઓ મફત ભોજન આપતાં ૩૫ વર્ષીય સામન્થા મુરુઝોકીના કિચનની લાઈનમાં છે.લાઈનમાં ઉભાં રહેલાં નાના બાળકો સાથેની માતાઓને પણ વિશ્વાસ રહે છે કે તેમને આજે ભૂખ્યાં સૂઈ રહેવું નહિ પડે.

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP)ના જણાવ્યા મુજબ ઝિમ્બાબ્વેમાં ભૂખની ભારે કટોકટી છે. કોરોના મહામારી પહેલા પણ વસ્તીના અડધોઅડધ એટલે કે સાત મિલિયનથી વધુ લોકો અનાજની અછત અને ભૂખથી પીડાતા હતા. કોવિડ-૧૯ પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. લોકોને બે છેડાં ભેગાં કરવામાં ભારે તકલીફ નડે છે ત્યારે સમુદ્રમાં નાનકડા બુંદ સમાન ગણી શકાય તેવા મુરુઝોકીનાં ફૂડ કિચનનો લોકોને ભારે સહારો મળ્યો છે અને ભૂખ્યાં લોકોમાં આશાનો સંચાર કર્યો છે.

નેશનલ હિરોઈન સામન્થા મુરુઝોકી

લોકડાઉન દરમિયાન સામન્થા મુરોઝોકી પોતાના પડોશીઓને ભૂખ્યા રહી પથારીભેગા થતા જોઈ શકતી ન હતી અને હવે રોજ હજારો લોકોના પેટની આગને ઠારે છે. પડોશીને ભોજન આપવાની ચાહ વધીને કોમ્યુનિટી ફીડિંગ સ્કીમમાં ફેરવાઈ છે અને દરરોજ ૨,૦૦૦થી વધુ ભૂખ્યાજનો તેના રસોડે જમે છે. મુરુઝોકી કહે છે કે,‘લોકડાઉન દાખલ થયા પછી નાણા કમાવાનો કે પેટની આગ બુઝાવવાનો કોઈ માર્ગ રહ્યો ન હતો. લોકો નિરાશ વદને ઘરમાં બેસી રહેતા હતા. આમાંથી જ મારાં યુનિટનો જન્મ થયો. પહેલા તો હું જેમની સાથે ઉછરીને મોટી થઈ તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવાની રહેતી હતી. હવે બધેથી લોકો આવી પહોંચે છે.’

શરુઆતમાં તો તેણે પોતાના ખિસ્સાંમાંથી આ પ્રોજેક્ટને ખર્ચ કાઢ્યો હતો પરંતુ, પ્રોજેક્ટ ચાલતો રહે તે માટે કોમ્યુનિટીએ પણ મદદનો હાથ લંબાવ્યો હતો. બે સપ્તાહથી ઓછાં સમયમાં તો ૮૬૭ લોકો તેના કિચન પર જમવા આવતા થઈ ગયા. તેણે પોતાની ઘણી ચીજવસ્તુઓ પણ વેચી હતી. તેના ઉપયોગમાં ન લેવાતા જીન્સ, સ્નીકર્સ, જેકેટ્સ સહિતની વસ્તુઓના બદલામાં તે મકાઈ, ખાદ્યતેલ, મીઠું અને કારીગરો મેળવતી હતી જેથી કામ અટકે નહિ.

બે સંતાનની માતા અને ૩૫ વર્ષીય વકીલ મુરોઝોકી આ પછી તો મહાનાયિકા બની ગઈ અને તેનું જીવન જ બદલાઈ ગયું છે. તે ખુશ છે અને કહે છે કે,‘મારો પુત્ર સમજે છે કે મમ્મીએ લોકોને ખવડાવવાનું છે. મારો દિવસ સવારના ચાર વાગ્યાથી શરુ થાય છે અને સાંજે ૭.૩૦ કલાકે છેલ્લું ભોજન પીરસવા સાથે પૂરો થાય છે.’ જોકે, તેના અન્નયજ્ઞનો માર્ગ ખાડાટેકરાંવાળો જ હતો. મે મહિનામાં નિયમો આગળ ધરી ચિટુન્ગ્વિઝા મ્યુનિસિપલ પોલીસે તેનું રસોડું બંધ કરાવી દીધું હતું. જોકે, તેણે લાયસન્સિંગની સમસ્યા હલ કરી અને વધુ લોકોને ભોજન કરાવવા માંડ્યું છે. આજે મુરોઝોકી કિચનના રજિસ્ટરમાં આશરે ૪,૩૦૦ લોકોના નામ છે જેમણે ગત ૩૩ દિવસમાં રોજ એક અથવા બે વખત ભોજન કર્યું હોય. હવે તેમની કિચનસેવા મેળવતી કોમ્યુનિટી વધી રહી છે. સરકારે પણ તેમને માન્યતા આપી છે અને હવે વધુ લોકોને ભોજન કરાવી શકાશે તેમ મુરોઝોકી કહે છે.

ઝિમ્બાબ્વે સરકાર પણ રાહતકાર્યમાં પાછીપાની કરી રહી નથી. લેબર અને સોશિયલ વેલ્ફેર મિનિસ્ટર આમોન મુરવિરાના કહેવા જબ સરકારે લાખો લોકોને ભૂખનો સામનો કરવાથી બચાવવા લોકડાઉન દરમિયાન સોશિયલ વેલ્ફેર પ્રોગ્રામ ફરી ચાલુ કર્યો છે. જે લોકોએ આવક ગુમાવવી પડી હોય તેઓ મદદ માટે સોશિયલ વેલ્ફેર વિભાગ પાસે નોંધણી કરાવી શકે છે. એક મિલિયન લોકોને અનાજ પહોંચાડવા આગામી આઠ મહિના સુધીનું બજેટ સરકાર પાસે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter