લંડનઃ બ્રિટિશ પાર્લામેન્ટના ગૃહોમાં સાત વખત ભારતીય ક્લાસિકલ ડાન્સ રજૂ કરવાના વિશ્વવિક્રમ બદલ લંડનસ્થિત એકેડેમિક ટ્યૂટર અને નૃત્યાંગના રાગસુધા વિંજામુરીને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા ટીમ દ્વારા એવોર્ડ એનાયત કરાયો છે.
તેમણે હૈદરાબાદમાં ડો. ઉમા રામારાવની નિશ્રામાં તાલીમ હાંસલ કરી હતી. તેઓ યુનિવર્સિટી ઓફ સંડરલેન્ડમાં શિક્ષણકાર્ય ઉપરાંત, ૧૦ કરતા વધુ વર્ષથી યુકેમાં ભારતીય શાસ્ત્રીય અને લોકનૃત્યની રજૂઆત અને આગળ વધારવાના કાર્યમાં લાગેલાં છે. તેઓ નૃત્યસર્જન તથા બાળકો અને સ્ત્રીઓની પરફોર્મિંગ પ્રતિભાના પ્રદર્શન સાથે ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ ડે, યુએન વર્લ્ડ વોટર ડે અને ઈન્ટરનેશનલ ડાન્સ ડેની રજૂઆતમાં કારણભૂત બન્યાં છે.
તેઓ રોયલ સોસાયટી ઓફ આર્ટ્સના ફેલો હોવાં ઉપરાંત, લંડનમાં સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સના સ્થાપક પણ છે. તેમને યુકે અને સ્વીટ્ઝર્લેન્ડની વિવિધ સંસ્થાઓ તરફથી સાંસ્કૃતિક શ્રેષ્ઠતાની કદર સાથે એવોર્ડ્સ પણ એનાયત કરાયાં છે. તેમણે પોતાની નસંસ્થા દ્વારા આચાર્ય રામાનુજ પર ૩૦૦ વર્ષ પુરાણા કમ્પોઝિશનની ટ્રાન્સ્ક્રીપ્શન પ્રસિદ્ધ કરી છે અને તેની ઈંગ્લિશ આવૃત્તિ આ વર્ષના ઉત્તરાર્ધમાં પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.