લંડનઃ શાળામાં બળજબરી, શારીરિક શોષણ અને ધમકીઓનો શિકાર બનેલા બેન સ્મિથે સ્ટોનવેલ અને કિડ્સ્કેપ ચેરિટીઝ માટે ભંડોળ એકત્ર કરવા ૪૦૧ દિવસમાં કુલ ૧૦,૫૦૬ માઈલની ૪૦૧ મેરેથોન દોડવા સાથે ૨૫૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી હતી. બુધવાર પાંચ ઓક્ટોબરે તેણે બ્રિસ્ટોલમાં પોતાની છેલ્લી મેરેથોન દોડ પૂર્ણ કરી હતી. બ્રિસ્ટોલના મિલેનિયમ સ્ક્વેરમાં સવારે ૧૦ વાગે શરૂ થઈ બપોરે ચાર વાગે પૂર્ણ થયેલી મેરેથોન દોડમાં વિદ્યાર્થીઓ સહિત સેંકડો લોકો સામેલ થયાં હતાં.
બેન સ્મિથે પહેલી સપ્ટેમ્બર ૨૦૧૫થી મેરેથોન દોડનું અભિયાન શરૂ કર્યું હતું અને અત્યાર સુધી કુલ ૧૦,૫૦૬ માઈલનું અંતર કાપ્યું હતું, જે લંડનથી સિડની સુધી દોડવા જેટલું થાય છે. પોતાની સજાતીયતાની જાહેરાત પછી બેને આ પડકાર ઉપાડી લીધો હતો. તેણે આઈલ ઓફ વાઈટ, બ્રિસ્ટોલ, બાથ, બ્રાઈટન, ગ્રેટર માન્ચેસ્ટર, મિલ્ટન કેનીસ, એડિનબરા અને લંડન સહિતના સ્થળોએ મેરેથોન દોડ લગાવી હતી.
તેણે કહ્યું હતું કે ‘હું મારા જીવનના આઠ વર્ષ સુધી ખરાબ રીતે બળજબરી-ધમકીનો શિકાર બન્યો હતો, જેનાથી મારા આત્મવિશ્વાસ અને ગૌરવને ધક્કો પહોંચ્યો હતો. તેમાંથી બહાર નીકળવા મેં ૧૮ વર્ષની વયે આત્મહત્યાનો પ્રયાસ સુદ્ધાં કર્યો હતો. અન્ય કોઈ સાથે આવું ન બને તે માટે હું એન્ટિ-બુલિઈંગ ચેરિટીઝ સ્ટોનવેલ અને કિડ્સ્કેપ માટે નાણા એકત્ર કવાનો પ્રયાસ કરું છું. મને અભૂતપૂર્વ સહકાર મળ્યો છે તે માટે હું સૌનો આભારી છું.’