બ્રિટન વિશ્વમાં આરોગ્યપૂર્ણ સ્થળોમાં પાંચમા ક્રમેઃ ભારત ૧૪૩મા સ્થાને

Monday 26th September 2016 10:02 EDT
 
 

લંડનઃ વિશ્વના ૧૮૮ દેશની યાદીમાં રહેવા માટે સૌથી આરોગ્યપૂર્ણ સ્થળોમાં બ્રિટન પાંચમા ક્રમે રહ્યું છે, જ્યારે યુએસનો ક્રમ ૨૮મો છે અને ઝડપી આર્થિક વિકાસ હોવાં છતાં ભારત ૧૪૩મા સ્થાને છે. યુનાઈટેડ નેશન્સના આરોગ્ય સંબંધિત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ના મૂલ્યાંકન આધારિત આંકડા અનુસાર વિશ્વમાં રહેવાયોગ્ય માટે સૌથી આરોગ્યપૂર્ણ સ્થળોમાં આઈસલેન્ડ પ્રથમ સ્થાને અને તે પછી સિંગાપોર, સ્વીડનનો ક્રમ છે. ધ સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, સોમાલિયા અને સાઉથ સુદાન યાદીમાં સૌથી છેલ્લા સ્થાને છે.

ગરીબીનાબૂદી, પૃથ્વીની સુરક્ષા તેમજ તમામ લોકો શાંતિ અને સમૃદ્ધિને માણે તેવાં લક્ષ્યાંકોએ બ્રિટનને પાંચમો ક્રમ અપાવ્યો છે. ભારતનો ૧૪૩મો ક્રમ કોમોરોસ અને ઘાના પછી આવે છે. મુખ્યત્વે આંતરિક હિંસા, HIV, શરાબપાન, બાળસ્થૂળતા અને આત્મઘાતથી સંખ્યાબંધ મોતના કારણે ખરાબ દેખાવથી યુએસએ ૨૮મા સ્થાને ગબડ્યું છે. અન્ય વિકસિત અને ઉચ્ચ કમાણી સાથેના દેશોની સરખામણીએ માતા, બાળક અને નવજાત શિશુના મૃત્યુદર અંગે પણ યુએસએનો દેખાવ ખરાબ રહ્યો છે, જે હેલ્થકેર સુવિધા અને ગુણવત્તામાં ભારે તફાવત દર્શાવે છે.

ગ્લોબલ ગોલ્સ તરીકે પણ ઓળખાતાં ધ્યેયોમાં ૨૦૩૦ સુધીમાં ગરીબીનાબૂદી માટે કાર્યવાહી સહિત ૧૭ આંતરાષ્ટ્રીય ધ્યેયો, ૧૬૯ લક્ષ્યાંક અને ૨૩૦ નિર્દેશાંકનો સમાવેશ થાય છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા ૨૦૧૫માં મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સની પરિપૂર્ણતા પછી SDGs પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા.

‘ધ લેન્સેટ’માં પ્રસિદ્ધ અભ્યાસમાં દેશોને ક્રમાંકિત કરવા ૧૯૯૦-૨૦૧૫ના ગાળામાં ‘Global Burden of Diseases, Injuries, and Risk Factors (GBD)’ અભ્યાસનો આધાર લેવાયો હતો. અભ્યાસમાં જણાયું હતું કે ઘણા દેશોએ આરોગ્ય સંબંધિત SDGમાં સફળતા મેળવી છે. માતા (૧૦૦,૦૦૦ પ્રસૂતિમાં ૭૦થી ઓછાં મોત) અને બાળક (૧૦૦૦ બાળજન્મમાં ૨૫ મૃત્યુ)ના મૃત્યુદરને ઘટાડવાના ૨૦૩૦ના ધ્યેયને ત્રણ પંચમાશ (૬૦ ટકા) દેશોએ પરિપૂર્ણ કર્યાં છે. જોકે, ટ્યુબરક્લોસિસ અને HIV જેવાં રોગોની નાબૂદી, બાળપણની સ્થૂળતાના પરિણામો તેમજ ગાઢ સાથીઓ સાથે હિંસા સંબંધિત નવ લક્ષ્યાંક કોઈ દેશ પરિપૂર્ણ કરી શક્યા નથી. ગત ૨૫ વર્ષમાં ટ્યુબરક્લોસિસ અને HIV રોગો જે ઝડપે આગળ વધી રહ્યાં છે તેને જોતાં આગામી ૧૫ વર્ષમાં તેમની નાબૂદી અવાસ્તવિક હોવાની ચેતવણી પણ અભ્યાસમાં અપાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter