લંડનઃ શનિવાર, પાંચમી ઓગસ્ટની સાંજે યુકેમાં સૌથી મોટા હિન્દુ મંદિરોમાં એક ભક્તિવેદાંત મેનોર ખાતે વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવા મને આમંત્રિત કરવામાં આવ્યો હતો. આ સંસ્થાઓના નેતાગણ માટે ગત ૪૪ વર્ષના ગાળામાં તમામ સમર્થકો અને શુભેચ્છકોના સતત પ્રયાસો પ્રતિ આભાર વ્યક્ત કરવાની આ મોટી તક હતી. એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ દ્વારા ૧૯૭૩માં આ મંદિરની સ્થાપના થઈ પછી તેનો ઈતિહાસ અનોખો રહ્યો છે. ભારતની બહાર પોતાના મિશનનો આરંભ કરનારા સ્વામીનું ૧૯૬૫માં યુએસએમાં આગમન થયા પછી તેમના દ્વારા પ્રેરિત અનેક મંદિરોમાં આ એક મંદિરનું પણ સ્થાન છે. જોકે, ISKCON નામે ઓળખાયેલા તેમના ભક્તિ આંદોલનમાં યુરોપિયન વડા મથક તરીકે દરજ્જો મેળવીને આ મંદિર વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
બીટલ્સ ગ્રૂપના સભ્ય જ્યોર્જ હેરિસનના ભવ્ય દાન મારફતે આ મંદિરની પ્રાપ્તિ થઈ હતી. સમુદાયોના વિકાસ માટે મૂળભૂત પ્રેરણા સમાન વૈદિક લખાણોમાંથી ભક્તિમાર્ગને વિસ્તારપૂર્વક સમજાવતા સ્વામી શ્રીલા પ્રભુપાદના ઉપદેશો થકી તેની શક્તિ અને પ્રસિદ્ધિ સતત વધતી રહી છે.
આ સાંજે લહેજતદાર પ્રસાદમનો આસ્વાદ લેવા સાથે આકર્ષક સ્ટેજ કાર્યક્રમના મનોરંજનનો લાભ પણ અમને મળ્યો હતો. બીબીસી-૪ની યંગ ડાન્સર્સ સ્પર્ધા ૨૦૧૭ના ફાઈનાલિસ્ટ દ્વારા સાઉથ એશિયન ડાન્સ પરફોર્મન્સ ઉપરાંત, ભક્તિવેદાંતના સ્થાનિક અભિનેતાઓ દ્વારા નાટકની ભજવણી કરવામાં આવી હતી. આ પરફોર્મન્સીસની મધ્યમાં કોમ્યુનિટીના અગ્રનેતાઓએ સંબોધનો કર્યા હતા, જેમાં કોમ્યુનિટીએ સાથે મળીને હાંસલ કરેલી અસંખ્ય સિદ્ધિઓ અને પ્રશસ્તિઓનું મહિમાગાન કરાયું હતું. ૧૯૯૪માં મંદિર બંધ કરાવાની ધમકીને પાર પાડવા ઉપરાંત, જમીનોની ખરીદી કરવામાં આવી હતી, જેના પરિણામે તેમની એસ્ટેટ ૧૭ એકર્સથી વધીને ૭૦ એકર્સ થઈ હતી. તેઓ ભારતની બહાર જન્માષ્ટમી ઉત્સવની સૌથી મોટી ઉજવણી કરી શક્યા હતા, જેમાં આશરે ૭૦,૦૦૦ ભક્તજનોની યજમાની કરવામાં આવે છે. આ ઉપરાંત, તેમણે ૨૦૧૦માં ગૌસુરક્ષા માટે યુરોપની સૌથી મોટી સુવિધાનું નિર્માણ કર્યું હતું અને કૃષ્ણા અવંતી ટ્રસ્ટના નેજા હેઠળ સમગ્ર યુકેમાં શાળાઓનું શ્રેણીબદ્ધ નિર્માણ કર્યું હતું, જેમાં આજે ૩,૦૦૦થી વધુ બાળકો અભ્યાસ કરે છે.
આ સાંજની મહત્ત્વની બાબત ભક્તિવેદાંત મેનોરના ઈતિહાસમાં વધુ એક છોગાનો ઉમેરો હતો. સતત વિસ્તાર પામતી કોમ્યુનિટીની જરૂરિયાતોને પહોંચી વળવા ૧૦ મિલિયન પાઉન્ડના ખર્ચે ‘હવેલી’નું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. યુકેના પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનના હસ્તે તેનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. આ સાંજે જે રજૂઆતો કરવામાં આવી તેના પરથી એક બાબત સ્પષ્ટ થઈ જ હતી કે મંદિર હવે માત્ર એ ધર્મસ્થાન રહ્યું નથી, જ્યાં ભક્તો પૂજા-પ્રાર્થના કરવા આવે છે. આ મંદિર હવે યુકેમાં હિન્દુ સમુદાયની દીવાદાંડીમાં રુપાંતરિત થયું છે, જે એજ્યુકેશન, મીડિયા અને પોલિટિક્સ સહિતના ક્ષેત્રોમાં હિન્દુઓનું સફળ પ્રતિનિધિત્વ કરી રહ્યું છે.
(સચિ પટેલ હાલ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ ખાતે થીઓલોજી એન્ડ રિલિજિયન વિષયમાં પીએચડી કરી રહ્યા છે. તેમના સંશોધનના વિષયોમાં ધાર્મિક આંદોલનો અને રાજકીય સત્તા વચ્ચે સામાન્ય હિત, ભારતીય બૌદ્ધિક ઈતિહાસ અને આધુનિક વિશ્વના પ્રારંભકાળનો સમાવેશ થાય છે.)