લંડનઃ સેન્ટ્રલ લંડનમાં રવિવાર, ૧૭મી જુલાઈએ ૪૮મી રથયાત્રા ભક્તિભાવપૂર્વક હર્ષોલ્લાસ સાથે આધ્યાત્મિક વાતાવરણમાં નીકળી હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળદેવની મૂર્તિઓ સાથે કાષ્ઠના ત્રણ સુંદર સુશોભિત રથ સોહો ખાતેના હરે કૃષ્ણ સેન્ટરથી નીકળ્યા હતા. રથયાત્રા હાઈડ પાર્ક કોર્નરથી શરૂ થઈ હતી. ભાવિક ભક્તોએ તેમના રથ ખેંચ્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભજન કીર્તન, સંગીત અને નૃત્ય સાથે રથયાત્રામાં જોડાયા હતા.
પાર્ક લેન, ધ રિટ્ઝ, પિકાડેલી સર્કસ અને નેલ્સન્સ કોલમ સહિત લંડનના પ્રખ્યાત સ્થળોએ ફરીને રથયાત્રા ટ્રફાલ્ગર સ્કવેર ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં ત્રણેય રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ગીત અને સંગીતને લીધે ટ્રફાલ્ગર સ્કવેરમાં ધાર્મિક ઉત્સવનો માહોલ સર્જાયો હતો. અહીં કલાકારોએ સ્ટેજ પર્ફોર્મન્સીસ કર્યા હતા. યોગ, મંત્ર ધ્યાન, આધ્યાત્મિક સાહિત્ય અને ફેસ પેન્ટિંગ માટે ખાસ સ્ટોલ ઉભાં કરાયાં હતાં.
આ વર્ષ હરે કૃષ્ણા અભિયાનનું ૫૦મું વર્ષ છે. આચાર્ય ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે તેમના પ્રિય ઉત્સવ એવી રથયાત્રાનો પશ્ચિમમાં પ્રારંભ કરાવ્યો હતો. ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે ખાસ ઉભાં કરાયેલાં ૫૦મા સ્ટોલમાં અભિયાન વિશે લોકોમાં જાગૃતિ કેળવવા માટે એક્ઝિબિશન બોર્ડ્સ, સાહિત્ય અને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું.
મુલાકાતીઓને ભગવાનને ધરાવવામાં આવેલ સ્વાદિષ્ટ ભોજન માણવાની પણ તક મળી હતી. અંદાજે ૨૦, ૦૦૦ કરતાં વધુ લોકોએ તેનો લાભ લીધો હતો.
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળદેવના દર્શનનો લહાવો તેમના નિવાસે એટલે કે સોહો સ્ટ્રીટસ્થિત રાધા કૃષ્ણ મંદિરે લઈ શકાય છે. મંદિરમાં સમગ્ર વર્ષ દરમ્યાન ઉત્સવો, કાર્યક્રમો અને કોર્સીસનું આયોજન થાય છે. ૫૦મા વર્ષ નિમિત્તે ઘણાં ખાસ કાર્યક્રમો યોજાશે.