લંડનઃ ભારતીય મૂળનો લંડનની સેન્ટ માઈકલ સ્કૂલમાં અભ્યાસ કરતો સાત વર્ષીય ઈશ્વર ગઈ ૨૨ એપ્રિલે યોજાયેલી યોગાની રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં સતત બીજા વર્ષે વિજેતા બન્યો હતો. યુકે યોગા સ્પોર્ટસ ફેડરેશન દ્વારા દર વર્ષે અંડર ૧૧ યુકે યોગા આસન ચેમ્પિયનશીપ યોજાય છે. રાષ્ટ્રીય સ્પર્ધા જીત્યા પછી હવે ઈશ્વર આગામી જૂનમાં નેપાળના કાઠમાંડુમાં વર્લ્ડ યોગા ચેમ્પિયનશીપમાં ગ્રેટ બ્રિટનનું પ્રતિનિધિત્વ કરશે.
ઈશ્વરને એક ગ્લોબલ યોગા મેગેઝિન દ્વારા ‘યંગેસ્ટ વન્ડર બોય’ ગણાવાયો હતો. આટલી નાની વયે ઈશ્વરે વર્લ્ડ યોગા ચેમ્પિયનશીપ, વર્લ્ડ યોગા ફેસ્ટિવલ અને ઓમ ઈન્ટરનેશનલ યોગા શો સહિતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ઈશ્વરે ઘણી ટીવી ચેનલો પર યોગ નિદર્શન કર્યું છે.
વેદ, ઉપનિષદ અને ભગવદ ગીતાની સંગીતમય રજૂઆતમાં ઈશ્વર વેદિક યોગાનું પણ નિદર્શન કરશે. તે વેદો અને ભગવદગીતાના ૫૦ શ્લોકનું સરળતાપૂર્વક ગાન કરી શકે છે. ઈશ્વરે ૧૦૦થી વધુ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.