લંડનઃ ભારતીય લેસ્બિયન કપલ બ્રિટનમાં રહેવા માટેની કાનૂની લડાઈ હારી ગયું છે. કોર્ટે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, ભારતમાં આ પ્રકારના સંબંધોને કાનૂની માન્યતા નથી. કોર્ટ ઓફ અપીલમાં હાર્યા બાદ કપલ સુપ્રીમ કોર્ટમાં જવાનું વિચારી રહ્યું છે. વર્ષ ૨૦૦૭માં મિત્રો તરીકે યુકે આવેલા લેસ્બિયન યુગલે ૨૦૦૮માં સ્કોટલેન્ડમાં સિવિલ પાર્ટનરશિપ હેઠળ રહેવાનું શરૂ કર્યું હતું અને ગત વર્ષે લગ્ન કર્યા હતા.
જજે યુકેમાં રહેવા માટેની અરજી એ આધારે ફગાવી દીધી કે, ભારતમાં આ પ્રકારના સંબંધોને કાયદાકીય માન્યતા પ્રાપ્ત નથી. આ યુગલે સ્કોટલેન્ડથી માસ્ટર્સની ડિગ્રી લીધી હતી. બંને યુકેમાં હંમેશાથી લીગલ વિઝા સાથે રહ્યા હતા. કોર્ટ ઓફ અપીલે લગ્ન માટે જરૂરી આધારનું વિશ્લેષણ કરતા જણાવ્યું હતું કે, સમલિંગી મેરેજને ભારતીય કાયદો માન્યતા આપતો નથી. કોર્ટે સ્વીકાર્યું કે, આ યુગલના ભારત પરત ફરવાથી કૌટુંબિક જીવન જીવવાના અધિકારનું ઉલ્લંઘન નહિ થાય કે તેમણે હિંસાનો સામનો કરવો પડશે એવા પણ પુરાવા નથી મળ્યાં.
યુગલના વકીલ એસ. ચેલ્વને જણાવ્યું હતું કે, એક લેન્ડમાર્ક જજમેન્ટ છે. પહેલી વાર કોર્ટ ઓફ અપીલે બહારથી આવેલા સેમ-સેક્સ કપલના રાઇટ્સમાં સમતુલા દર્શાવી છે. કોર્ટે ભારતમાં તેના લીગલ પાસાં પણ ધ્યાને લીધા છે.