ત્રિશૂરઃ કેરળમાં 17 વર્ષની ટીનેજર પિતાને લિવરનો હિસ્સો ડોનેટ કરીને ભારતની સૌથી ઓછી વયની ઓર્ગન ડોનર બની છે. ભારતમાં કાયદા અનુસાર સગીરને અંગદાનની છૂટ ન હોવાથી ધોરણ-12માં અભ્યાસ કરતી દેવાનંદે કેરળ હાઇ કોર્ટની મંજૂરી માગી હતી. કોર્ટની મંજૂરી બાદ દેવાનંદે બીમાર પિતાને લિવરનો હિસ્સો ડોનેટ કર્યો. દેવાનંદના 48 વર્ષીય પિતા પ્રતીશ ત્રિશૂરમાં કાફે ચલાવે છે. દેવાનંદના વીરતાપૂર્ણ પ્રયાસોની સરાહના કરતા હોસ્પિટલે આ સર્જરીનો તમામ ખર્ચ માફ કર્યો હતો. દેવાનંદને એક અઠવાડિયું હોસ્પિટલમાં રહ્યા બાદ હવે રજા મળી ગઇ છે.
માનવ અંગ પ્રત્યારોપણ અધિનિયમ - 1994ની જોગવાઇ મુજબ સગીરોને ઓર્ગન ડોનેશનની મંજૂરી નથી. તેથી દેવાનંદે પ્રતીશને લિવરનો હિસ્સો ડોનેટ કરવા કેરળ હાઇ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. તેને એવું જાણવા મળ્યું હતું કે અગાઉ આવા જ એક કેસમાં એક કોર્ટે સગીર સંતાનને ઓર્ગન ડોનેશન સગીર સંતાનને ઓર્ગન ડોનેશન માટે મંજૂરી આપી હતી. હાઇકોર્ટે પણ દેવાનંદને તેના પિતાને લિવરનો હિસ્સો ડોનેટ કરવાની મંજૂરી આપતા તમામ અવરોધો સામેની તેની લડતની પ્રશંસા કરી હતી.