સિઉલઃ કહેવાય છે કે, કોશિશ કરનારની કયારેય હાર નથી થતી. આ કહેવત ડ્રાઈવિંગ લાઈસન્સ માટે પ્રયત્ન કરનારી સાઉથ કોરિયાની મહિલા માટે એકદમ સાચી ઠરી છે. આ મહિલાને 959 પ્રયત્ન બાદ ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવામાં સફળતા મળી છે.
સાઉથ કોરિયાની 69 વર્ષીય મહિલાએ ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે એક-બે નહીં, પરંતુ 18 વર્ષ સુધી પ્રયત્નો કર્યા હતાં. ચા સા સૂન નામની મહિલા સાઉથ કોરિયાના જિયોન્જુ શહેરની રહેવાસી છે. સા સૂને તેનો પ્રથમ લેખિત ડ્રાઈવિંગ ટેસ્ટ એપ્રિલ, 2005માં આપ્યો હતો. તેણે કુલ 959 નિષ્ફળ પ્રયત્નો કર્યા હતાં, બાદમાં 960મા પ્રયત્ને તેને સફળતા મળી છે.
વારંવાર ફેઈલ થવા છતાં તેણે પોતાના પ્રયત્નો નિરંતર ચાલુ રાખ્યા હતાં. આ માટે તેણે અઠવાડિયામાં બે દિવસ લેખિત ટેસ્ટ આપવાની શરૂઆત કરી હતી. તેમાં પાસ થયા બાદ તેણે તેવા જ ઝનૂન સાથે પ્રેકટિકલ ટેસ્ટ આપ્યાં હતાં. કહેવાય છે કે, આ મહિલા તેના દસમા પ્રયત્ને પ્રેકટિકલ પરીક્ષામાં પાસ થઈ હતી.
સા સૂને ડ્રાઈવિંગ લાઈસન્સ લેવા માટે લગભગ 11 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ મહિલા શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. પોતાના વ્યવસાયના સ્થળે ગાડીમાં પહોંચવા માટે તેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ હોવું જરૂરી હોવાથી તેણે પોતાના પ્રયત્નો નિરંતર ચાલુ રાખ્યા હતાં. તેના ડ્રાઈવિંગ ઈન્સ્ટ્રકટરે સા સૂનને લાઈસન્સ મળ્યા બાદ રાહતનો શ્વાસ લીધો હતો.