લંડનઃ શું તમે ડ્રાઇવિંગ ટેસ્ટમાં બે-ચાર વખત નિષ્ફળતા મળતાં નિરાશ થઇ ગયા છો?!તો ઇઝાબેલ સ્ટેડમેનનો આ કિસ્સો ખાસ વાંચો. બેડફર્ડશાયરની 47 વર્ષીય ઇઝાબેલ સ્ટેડમેન 30 વર્ષથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાં પ્રયત્નશીલ છે પરંતુ આજ સુધી તેને સફળતા મળી નથી. તેણે 17 વર્ષની વયથી વાહન ચલાવતાં શીખવાની શરૂઆત કરી હતી અને લાઈસન્સ મેળવવાં 1000થી વધુ ટેસ્ટ આપ્યા છે. ટેસ્ટ ફી સહિત 10,000 પાઉન્ડથી ખર્ચી નાંખ્યા છે, છતાં લાયસન્સથી વંચિત છે. આટલી નિષ્ફળતા છતાં ઈઝાબેલ હિંમત હારી નથી.
વાહન ચલાવતાં શીખવા માટે એકાગ્રતા અને રસ હોવો જરૂરી છે. ઈઝાબેલને ડ્રાઈવિંગ શીખવામાં રસ જરૂર છે પરંતુ, કરમની કઠણાઈ એ છે કે કારમાં બેસવાની સાથે જ તેને મૂંઝારો થવા લાગે છે, તે કારમાં કદી બેઠી જ ન હોય તેમ લાગે છે. પરસેવો વળી જાય છે અને ધ્રૂજવા લાગે છે. એટલા વિચારોની ગડમથલ ચાલે છે કે તેનું સ્ટ્રેસ લેવલ વધી જાય છે અને મગજ ફાટી જશે તેવો ભયંકર અનુભવ થવા લાગે છે. આ બધું શું થાય છે, શેનો ડર લાગે છે તે ઈઝાબેલને ખુદને સમજાતું નથી અને ક્યારેક તો તે બેભાન થઈ જાય છે.
ઇઝાબેલને ડ્રાઇવિંગ શીખવા દરમિયાન બ્લેક આઉટની સમસ્યા થવા લાગે છે. ભાનમાં આવે ત્યારે કાર રોડ પર ઉભી હોય છે અને તેનું સ્ટિયરિંગ ઇન્સ્ટ્રકટરના હાથમાં હોય છે. છેવટે રડીને ઘરે આવતી રહે છે. કાર ચલાવવામાં એકાદ ખરાબ અનુભવ થાય તો પણ ઘણા શીખવાનું માંડી વાળતા હોય છે પરંતુ, બે બાળકોની માતા ઇઝાબેલે 30 વર્ષ સુધી કાર શીખવાના નિષ્ફળ પ્રયત્ન પછી પણ હાર માની નથી. તે પોતાની પુત્રીને કારમાં બેસાડીને કોલેજમાં મુકવા જવાની, દૂર રહેતા સગા સંબંધીઓને ડ્રાઇવિંગ કરીને મળવા જવાની ઇચ્છા ધરાવે છે.
નવાઈની વાત તો એ છે કે તેણે કદી કાર અકસ્માત કર્યો નથી કે ડ્રાઈવિંગ લેસન લેતાં પહેલા માર્ગમાં કોઈ ખરાબ અનુભવ પણ થયા નથી. ઈઝાબેલે પોતાની સમસ્યા ડોક્ટર્સને પણ જણાવી છે પરંતુ, તેઓ તેના ફોબિઆને સમજાવી શક્યા નથી.