40 પછી સ્ત્રીઓની તંદુરસ્તી

તમને કાયમ તંદુરસ્ત રાખશે આ 7 ટેવ

Tuesday 25th July 2023 09:29 EDT
 
 

ચાળીસની વય પછી મોટા ભાગની મહિલાઓમાં શારીરિક સ્તરે પ્રજનન ક્રિયા સંક્રમણ કાળમાંથી પસાર થવા લાગે છે. તેનાથી મેટાબોલિઝમ, ભોજનને ઊર્જામાં બદલવાની ક્ષમતા, શરીરને પોષણની જરૂરિયાત વગેરેમાં પરિવર્તન શરૂ થવા લાગે છે. પ્રોટીનને પ્રોસેસ કરવાની શરીરની ક્ષમતા ઘટવા લાગે છે. પ્રોટીન માંસપેશીઓના નિર્માણમાં મદદ કરે છે, એવા હોર્મોન બનાવે છે, જે શરીરની સિસ્ટમને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. આ સિવાય શરીરમાં ઊર્જાનું સ્તર જાળવી રાખવા માટે પણ તે અત્યંત જરૂરી છે. આ માટે ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે ડેરી પ્રોડક્ટ, સોયા પ્રોડક્ટ, નટ્સ અને દાળોનું વધુ સેવન શરૂ કરવું જોઈએ. વિવિધ તબીબી અભ્યોના તારણ અનુસાર પ્રી-મેનોપોઝ દરમિયાન મહિલાના શરીરમાં અનેક હોર્મોનલ પરિવર્તન આવે છે, જે એક યા બીજા પ્રકારે શરીર પર અસર કરતા હોય છે.

આ સાત ટેવ બચાવશે સમસ્યાઓથી

1) દર સપ્તાહે એક નવી શાકભાજી ખાઓ
સપ્તાહમાં એક દિવસ ભોજનમાં નવી શાકભાજીને જરૂર સામેલ કરો. ફ્રાન્સમાં હાથ ધરાયેલા એક અભ્યાસના તારણ મુજબ પ્લાન્ટ (છોડ) આધારિત એટલે કે લીલા શાકભાજી ધરાવતા ડાયેટથી મેનોપોઝની શરૂઆતવાળી મહિલાઓમાં સ્તન કેન્સરનું જોખમ 14 ટકા સુધી ઘટે છે.
2) એચપીવી વેક્સિનેશન કરાવો
એચપીવી સર્વાઈકલ કેન્સર માટે જવાબદાર છે. આ રસી આમ તો 11થી 13 વર્ષની બાળકીઓને અપાય છે, પરંતુ વેક્સિન 45 વર્ષ સુધીની મહિલાઓ માટે પણ તબીબી માન્યતા ધરાવે છે. જો તમે પણ આ વેક્સિન ના લીધી હોય તો અવશ્ય લો. આનાથી સર્વાઇકલ કેન્સરનું જોખમ મહદ્ અંશે ઘટી જશે.
૩) સ્ક્વેટ કસરત કરો
દિવસમાં અનેકવાર ડીપ સ્ક્વેટ એક્સરસાઈઝ કરો. તેને 10થી 30 સેકન્ડ સુધી હોલ્ડ કરો. ન્યૂ યોર્ક સ્થિત હેલ્થ ટેકના ડો. બીજલ ટોપરાનીના મતે આ એક્સરસાઇઝ મહિલાઓની પેલ્વિક ફ્લોર માંસપેશીઓને વધારે છે. ઓવર એક્ટિવ નર્વસ સિસ્ટમને શાંત કરે છે.
4) નિયમિત યોગાસન કરો
ત્રિકોણાસન, ઉત્કટાસન જેવા યોગ નિયમિત કરો. આ આસન અનિયંત્રિત યુરિનની સમસ્યાને 70 ટકા સુધી ઘટાડે છે. એક મેડિકલ જર્નલમાં રજૂ થયેલા અભ્યાસ અનુસાર 40થી વધુ વયની એવી મહિલાઓ કે જેમણે સપ્તાહમાં બે દિવસ નિયમિત આવા યોગ કર્યા છે, તેમનામાં 70 ટકા ઓછા લક્ષણ જોવા મળ્યા. શક્ય હોય ત્યારે મેડિટેશન પણ અવશ્ય કરો. ધ્યાન ધરવાની રોજિંદી આદતથી સ્ટ્રેસ ઘટશે. મન પરનો બોજ ઘટતાં હળવાશ અનુભવશો.
5) સંગીત અવશ્ય સાંભળો
ચાલતા સમયે, જમવાનું બનાવતા સમયે કે પછી અન્ય કોઇ કામ કરતા સમયે તમારું મનપસંદ સંગીત અવશ્ય સાંભળો. દિવસ દરમિયાન ઓછામાં ઓછું 15 મિનિટ સુધી સાંભળવામાં આવેલું મધુર સંગીત તમારો મૂડ સુધારે છે, અને તણાવ તો ઘટાડે જ છે.
6) નવી હોબી અપનાવો
પેઈન્ટિંગ, સિંગિગ કે પછી તમને જેમાં રસરૂચિ હોય તેવી હોબી અચૂક અપનાવો. અનેકવિધ રિસર્ચના તારણ કહે છે કે માઈન્ડફૂલનેસ આધારિત આર્ટ થેરેપી મેનોપોઝ દરમિયાન થતા તણાવને ઘણા અંશે ઘટાડે છે. આની અસર ભોજન, રિલેશનશિપ વગેરે પર સકારાત્મક થાય છે. રોજિંદા જીવનનો તણાવ ઘટશે, અને સ્વજનો સાથેના સંબંધો પણ સુધરશે.
7) કેલ્શિયમ અને વિટામિન ડી લો
હૃદય, માંસપેશી અને નર્વ્સ સારી રીતે કામ કરે તે માટે કેલ્શિયમ જરૂરી છે. તેના અભાવથી ઓસ્ટિયોપોરોસિસ થઈ શકે છે. જોકે આ કેલ્શિયમ તમારા શરીરમાં ત્યારે જ અવશોષિત થાય છે જ્યારે શરીરમાં પૂરતું વિટામિન ડી હોય. તમે કેલ્શિયમને દહીં - દૂધ સહિતના ખાદ્યપદાર્થો ઉપરાંત સપ્લિમેન્ટ તરીકે પણ લઈ શકો છો. જોકે આ માટે તબીબી માર્ગદર્શન આવશ્યક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter