મુંબઇઃ તાજેતરમાં ગોવામાં યોજાયેલી નેશનલ બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપમાં માસ્ટર-થ્રી કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને મુંબઈનાં રીટા મહેતાએ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રીટાબહેને 84 કિલોગ્રામ કેટેગરીમાં સૌથી વધારે 45 કિલો વજન ઉઠાવ્યું હતું અને મણિપુર, મિઝોરમ, ઝારખંડ, હરિયાણાના પ્રતિસ્પર્ધીને પાછળ મૂકીને આ ગુજરાતણે ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો.
રીટાબહેને આ સિદ્ધિ મેળવી તેનું વિશેષ મહત્ત્વ છે. નિવૃત શિક્ષિકા રીટાબહેન પાવર લિફ્ટિંગના પાઠ યૂટ્યૂબના માધ્યમથી શીખ્યા છે. તેમનો ઉત્સાહ જોઇને જિમમાં આવતા યંગસ્ટર્સે તેમને પાવર લિફ્ટિંગ કરવા, સ્પર્ધામાં ભાગ લેવા પ્રેર્યા તો દીકરીનું સ્ટ્રીક્ટ ડાયટ તેમની ફિટનેસ જાળવી રાખવામાં મહત્ત્વનું સાબિત થયું. અને પરિણામ સહુની નજર સમક્ષ છે.
વજન 29 કિલો વજન ઘટાડ્યું
વાપીના વલવાડામાં ઉછરેલા અને અહીં જ શિક્ષણ પ્રાપ્ત કરી મહારાષ્ટ્રમાં તારાપુર-બોઇસર અને વર્ષ 2000માં પરિવાર સાથે મુંબઈ સ્થિર થયેલા રીટાબહેને નિવૃત્તિ બાદ નક્કી કર્યું કે કંઈક વિશેષ એચિવ કરીને બીજા લોકો
માટે દીવાદાંડીરૂપ કામ કરવું છે. આ દૃઢ મનોબળના કારણે જ આઠ મહિનામાં પોતાનું વજન 99 કિલોથી ઘટાડીને 70 કિલો કર્યું. આ દરમિયાન તેમણે જિમમાં જવાનું શરૂ કર્યું જ્યાં યંગસ્ટર્સે તેમને પાવર લિફ્ટિંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા.
‘હવે લક્ષ્ય છે કોમનવેલ્થ ગેમ્સ’
રીટાબહેન તેમની સિદ્ધિથી ખુશ છે. હવે તેમણે ઊંચા લક્ષ્ય પર નજર માંડી છે. એક અખબાર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ‘નેશનલ ચેમ્પિયનશિપ જીત્યા બાદ મારો ઉત્સાહ ઘણો વધી ગયો છે. હવે હું પ્રોફેશનલ ટ્રેઇનરના માર્ગદર્શન હેઠળ પાવર લિફ્ટિંગની તાલીમ લઈ રહી છું. મારું સપનું છે કે હું ભારત તરફથી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઇ ગોલ્ડ જીતીને દેશનું નામ રોશન કરું.’