મિનેઆપોલિસ(યુએસ): ભારતવંશી ગુંજન કેડીઆને યુએસબેન્કોર્પ (U.S. Bancorp)ના આગામી સૌપ્રથમ મહિલા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. આ સાથે 54 વર્ષીય કેડીઆ ફાઈનાન્સિયલ સેક્ટરમાં સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં સ્થાન મેળવશે. કંપનીએ જાહેર કર્યું છે કે વર્તમાન પ્રેસિડેન્ટ કેડીઆ 15 એપ્રિલે મળનારી શેરહોલ્ડર્સની વાર્ષિક સામાન્ય સભા પછી CEOનો કાર્યભાર સંભાળશે. તેઓ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં પણ સામેલ થશે. કેડીઆ વર્તમાન સીઈઓ એન્ડી સેસિરેનું સ્થાન સંભાળશે જેઓ એક્ઝિક્યુટિવ ચેરમેનનો પદભાર સંભાળવા સાથે બોર્ડના નેતા રહેવા સાથે કેડીઆને નવી કામગીરીમાં સપોર્ટ આપશે.
ગુંજન કેડીઆ 2016માં વાઈસ ચેરના પદે U.S. Bancorp સાથે જોડાયાં હતાં અને કંપનીના રેવન્યુ વિભાગના ચાલકબળ બની રહ્યાં છે. તેમની પાસે ફાઈનાન્સિયલ સેક્ટરનો આશરે 30 વર્ષનો અનુભવ છે. U.S. Bancorp પહેલા તેમણે સ્ટેટ સ્ટ્રીટ ફાઈનાન્સિયલ અને BNY મેલોન ખાતે ગ્લોબલ એક્ઝિક્યુટિવ ભૂમિકાઓ ભજવી હતી તેમજ મેક્કિન્સે એન્ડ કંપની અને PwCમાં અગ્રણી પોઝિશન્સ ધરાવી હતી. તેમણે અમેરિકન બેન્કર્સની બેન્કિંગ અને ફાઈનાન્સમાં સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સાત વખત તેમજ બેરોન્સ 100 મોસ્ટ ઈન્ફ્લુન્શિયલ વિમેન ઈન યુએસ ફાઈનાન્સ લિસ્ટમાં બે વખત સન્માન હાંસલ કર્યું છે. તેઓ PBS, અમેરિકન રેડ ક્રોસ અને કાર્નેગી મેલોન બિઝનેસ સ્કૂલના બોર્ડ્સ પર કામગીરી બજાવી રહ્યાં છે.
ગુંજન કેડીઆએ તેમનું શિક્ષણ ભારતમાં મેળવ્યું હતું. તેમણે દિલ્હી કોલેજ ઓફ એન્જિનીઅરીંગમાં 1992 સુધી ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનીઅરીંગમાં અભ્યાસ કરી સ્નાતક ડીગ્રી હાંસલ કર્યાં પછી કાર્નેગી મેલોન યુનિવર્સિટીની ટેપર સ્કૂલ ઓફ બિઝનેસમાંથી ડિસ્ટિંક્શન સાથે MBA ડીગ્રી પ્રાપ્ત કરી હતી.
U.S. Bancorpનું વડપણ સંભાળનારાં ગુંજન કેડીઆએ ઈમાનદારી અને ઈનોવેશન પરત્વે બેન્કની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે,‘U.S. Bancorp સાચે જ વિશેષ સ્થાન છે જે અમને અર્થસભર કામગીરી બજાવવા તેમજ લાખો ક્લાયન્ટ્સ સાથે ટકાઉ સંબંધોના નિર્માણની છૂટ આપે છે.
અમે ઈમાનદારી અને વિકાસને યોગ્યપણે આગળ વધારવા બિઝનેસના નક્કર પાયા પર નિર્માણ કરીશું.’