એક એવી મશહૂર અભિનેત્રી જે અંગરક્ષકો નિયુક્ત કરનાર પહેલી સિનેતારિકા હતી, જેણે પોતાના મહેલ જેવા બંગલામાં અઢાર અલ્સેશિયન કૂતરા પાળેલા, જેના પ્રાંગણમાં બ્યૂક, શેવરોલેટ, સ્ટેશન વેગન, હિલમેન અને ટાઉન ઇન કંટ્રી એમ પાંચ મોંઘેરી ગાડીઓ ખડી રહેતી અને જે દાનની રાણી તરીકે પણ ઓળખાતી.... બોલો, આ સિતારાની ઓળખાણ પડે છે?
જો ઓળખાણ ન પડે તો એનો બીજો પરિચય આ રહ્યો : એ ભારતીય સિનેમાની સૌથી ખૂબસૂરત અભિનેત્રી હતી, રૂપેરી સૃષ્ટિની વીનસ એટલે કે સૌંદર્યની પહેલી દેવી હતી, સિલ્વર સ્ક્રીનની સુંદરી હતી, એની મનમોહક મુસ્કાન દુનિયાનું સૌથી સુંદર સ્મિત ગણાય છે અને અનારકલી તરીકે એ લોકોના દિલમાં ઘર કરી બેઠી છે !
હા, એ જ. બરાબર ઓળખી. એનું નામ મધુબાલા. ભારતીય સિનેમાનો ઝળહળતો ને ઝગમગતો સિતારો. મધુબાલાનો દેખાવ જેટલો ખૂબસૂરત હતો, એટલું જ ખૂબસૂરત એનું દિલ પણ હતું. દાન કરવામાં એ પાછીપાની ન કરતી. ૧૯૫૦માં, મધુબાલાએ પોલિયોપીડિત બાળકો માટે અને જમ્મુ-કાશ્મીર રાહત કોષમાં પાંચ હજાર રૂપિયાનું દાન કરેલું. એ પછી પૂર્વ બંગાળના શરણાર્થીઓ માટે પચાસ હજાર રૂપિયાનું દાન કર્યું. એથી દાનવીર કે દાનની રાણી તરીકે એ જાણીતી થયેલી.
સંયોગ તો જુઓ. દાનની રાણી મધુબાલા એક સમયે રંક હતી. ૧૪ ફેબ્રુઆરી ૧૯૩૩ના દિલ્હીમાં આયશા બેગમ અને અતાઉલ્લા ખાનને ઘેર મુમતાઝ જહાં દેહલવી નામે મધુબાલાનો જન્મ થયેલો. કાશ્મીરવાલે બાબા નામે જાણીતા જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી કે, આ દીકરી ખૂબ નામ અને દામ કમાશે. અતાઉલ્લાએ મુમતાઝને એની મરજી મુજબ આગળ વધવા દેવાનો નિર્ણય કર્યો. આકાશવાણીમાં બાળકો વિશે ‘નિશાના ઔર શૃંગાર’ નામનો કાર્યક્રમ યોજાતો. બેબી મુમતાઝનો એક કાર્યક્રમ પણ યોજાયેલો. સંગીતકાર ખુરશીદ અનવર કાર્યક્રમની પ્રસ્તુતિ કરતા. બેબી મુમતાઝનો કાર્યક્રમ હતો એ દિવસે સંગીતકાર મદનમોહનના પિતા રાયબહાદુર ચુન્નીલાલ દિલ્હી આવેલા. રાયબહાદુરની નજર બેબી મુમતાઝ પર ઠરી. એમણે એની ઓળખાણ બોમ્બે ટોકીઝની માલિકણ દેવિકા રાણી સાથે કરાવી. દેવિકાને બેબી મુમતાઝ ગમી ગઈ. એને ૧૯૪૨માં પહેલી ફિલ્મ ‘બસંત’ મળી. દેવિકા રાણીએ મુમતાઝનું નામ મધુબાલા કર્યું. અતાઉલ્લા ખાન પરિવાર સાથે દિલ્હીથી માયાનગરી મુંબઈમાં જઈ વસ્યા.
મુમતાઝ નામ સાથેની છેલ્લી ફિલ્મ ૧૯૪૭ની નીલકમલ હતી. રાજ કપૂર સાથેની આ ફિલ્મથી મધુબાલાને આગવી ઓળખ મળી. વીનસ ઓફ સિલ્વર સ્ક્રીન-સિનેમાની સૌંદર્યદેવીનું નામ મળ્યું. બે વર્ષ પછી કમાલ અમરોહી દ્વારા નિર્દેશિત ભારતીય સિનેમાની પહેલી હોરર ફિલ્મ મહલમાં કામ કર્યા પછી મુમતાઝ મધુબાલા બની ગઈ.
જાણીતી મધુની કેટલીક અજાણી બાબતો : બાર વર્ષની ઉંમરે એ ડ્રાઈવિંગ શીખી ગયેલી. એ એક અચ્છી ચિત્રકાર હતી, સફળ અભિનેત્રી થયા પછી પેડર રોડ પર ભાડાનો બંગલો લીધો અને નામ રાખ્યું અરેબિયન વિલા. એની પાસે જે પાંચ ગાડી હતી, એમાં ટાઉન ઇન કંટ્રી એ સમયે માત્ર બે જણ પાસે હતી. ગ્વાલિયરના મહારાજા પાસે અને મધુબાલા પાસે. સિનેસૃષ્ટિમાં અંગરક્ષક રાખવાની પ્રથા મધુબાલાએ જ શરૂ કરેલી.... દિલ્હીમાં હતી ત્યારે લતીફ નામના છોકરાના પ્રેમમાં પડેલી. દિલ્હીથી મુંબઈ જતી વખતે પ્રેમના પ્રતીકરૂપે મધુએ લતીફને લાલ ગુલાબનું નજરાણું આપેલું.
મધુબાલાનો બીજો પ્રેમ કમાલ અમરોહી અને ત્રીજો પ્રેમ પ્રેમનાથ હતા. પછી દિલીપકુમાર. તરાના ફિલ્મના સેટ પર થયેલો બેયનો પરિચય પ્રણયરંગે રંગાયો. પણ એ પ્રણય લગ્ન સુધી ન પહોંચ્યો. બન્નેનો સંબંધ તૂટી ગયો.
મધુબાલાનું આયખું પણ સમાપ્ત થઈ રહેલું. મધુબાલાને લગ્નના ત્રણ પ્રસ્તાવ મળ્યા. ભારતભૂષણ, પ્રદીપકુમાર અને કિશોરકુમાર તરફથી. મધુબાલાએ કિશોરકુમાર સાથે લગ્ન કર્યાં. પણ મધુની બીમારીને કારણે કિશોરકુમાર એનાથી દૂર થતા ગયા. મધુબાલા પોતાના અરેબિયન વિલામાં પાછી ફરી. એની તબિયત બગડતી ગઈ. નાકકાનમાંથી લોહી નીકળવા લાગ્યું. નબળાઈ આવવા લાગી. આખરે ૨૩ ફેબ્રુઆરી ૧૯૬૯ના સૌંદર્યનો સિતારો ખરી પડ્યો. મધુબાલાના મૃત્યુ પછી આઈએએસ અધિકારી બની ચૂકેલા લતીફે સાચવી રાખેલું લાલ ગુલાબ એની કબર પર ચડાવી દીધું. એ પછી દર ૨૩ ફેબ્રુઆરીએ લતીફ મધુબાલાની કબર પર લાલ ગુલાબ ચડાવતા રહ્યા. એક લાલ ગુલાબ કબરની નીચે અને એક લાલ ગુલાબ કબરની ઉપર....!