અંગરખા કુરતાઃ પરંપરાગત વસ્ત્રોનાં શોખીનોની ચોઇસ...

Wednesday 11th September 2024 06:34 EDT
 
 

બ્રિટનમાં લાંબા સમયથી વસવાટ છતાં ઘણી બધી ભારતીય યુવતીઓ એવી છે જે શક્ય હોય ત્યાં સુધી ટ્રેડિશનલ અને પરંપરાગત વસ્ત્રો પહેરવાનું જ પસંદ કરે છે. આવાં વસ્ત્રોની શોખીન યુવતીઓમાં અંગરખા સ્ટાઇલની ડિઝાઇન ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. અંગરખા કુરતાની ખાસિયત એ છે કે તે સ્લિમથી લઈને પ્લસ સાઈઝની મહિલાઓ સુધી દરેકને સારો લાગે છે. અંગરખા કુરતા ઓફિસથી લઈને પાર્ટીમાં પણ પહેરી શકાય છે. તમારે તેને અલગ અલગ રીતે સ્ટાઇલ કરવા પડે છે. એટલું જ નહીં, જો તમે સૂટ સલવારમાં તમારા લુકને ટ્વિસ્ટ આપવા માંગતાં હો, તો અંગરખા કુરતા પહેરીને નવી સ્ટાઇલ પણ આપનાવી શકો છો. આ સ્ટાઇલના કુરતાને અનેક રીતે સ્ટાઇલ કરી શકાય છે. જેમ કે,

પલાઝો સાથે...
અંગરખા કુરતાને સ્ટાઇલ કરવાની વાત આવે છે તો તેની સાથે પલાઝોનું કોમ્બિનેશન સારું લાગે છે. આ લુકને આધુનિક ટચ આપવા માટે અંગરખા કુરતા સાથે એન્કલ સુધીની લંબાઈવાળા પલાઝો પહેરવાનો વિકલ્પ પસંદ કરો. આ લુક અપનાવતી વખતે કુરતા સાથે મેચિંગ બોટમની જ પસંદગી કરો. અંગરખા કુરતામાં મોનોક્રોમ લુક ખૂબ જ સારો લાગે છે. તમે પ્રસંગને ધ્યાનમાં રાખીને તમારા મેકઅપને લાઇટ અથવા બોલ્ડ ટચ આપી શકો છો. તે જ સમયે, જો તમને ફૂટવેરમાં સેન્ડલ પહેરવાનું પસંદ હોય, તો પછી જૂતાંને પણ સ્ટાઇલ કરી શકાય છે.
 
અનારકલી સ્ટાઇલ...
અંગરખા કુરતાને સુંદર રીતે સ્ટાઇલ કરવાની આ પણ એક રીત છે. અંગરખા કુરતાની લંબાઈ સાથે પ્રયોગ કરીને તમે તમારા લુકને ટ્વિસ્ટ આપી શકો છો. સામાન્ય રીતે અંગરખા કુરતાની લંબાઈ લાંબી રાખવામાં આવે છે, છતાં તમારા દેખાવને વધુ ભવ્ય બનાવવા અથવા ખાસ પ્રસંગ માટે તૈયાર થવા માટે અનારકલી લંબાઈમાં કુરતા પહેરો. તેની સાથે ચૂડીદારનું કોમ્બિનેશન સારું લાગે છે. આ જ સમયે, તમે એક્સેસરીઝમાં ચાંદબાલી પહેરીને સ્ટેટમેન્ટ લુક બનાવી શકો છો. જો તમે તમારી હાઇટ અને ફીગર પ્રમાણે અનારકલી સૂટ પહેરશો તો વધારે સ્ટાઇલિશ દેખાશો.

ચિકનવર્કવાળા...
જો તમે કેઝ્યુઅલ સ્ટાઇલમાં અંગરખા કુરતા પહેરવા માંગતા હો, તો ચિકનકારી વર્કવાળા અંગરખા કુરતા સારામાં સારો વિકલ્પ છે. સફેદ બોટમ સાથે આછા રંગનો અંગરખા સ્ટાઇલનો કુરતો તમારા લુકને ખાસ બનાવશે. આ પ્રકારના અંગરખા કુરતા સાથે સફેદ દુપટ્ટો તમારા લુકને પૂર્ણ કરશે. તે જ સમયે, મેકઅપ અને એક્સેસરીઝને ન્યૂનતમ રાખવાનો પ્રયાસ કરો.

ટેસલ્સ સાથે...
જો તમે પાર્ટી માટે તૈયાર થઈ રહ્યા હો અને અંગરખા કુરતામાં તમારા લુકને હેવી ટચ આપવા માંગો છો, તો કુરતા અને સ્લીવ્ઝમાં ટેસલ્સ એટલે કે લટકણ લગાવી શકાય છે. પ્લેન અંગરખામાં આ ટેસલ્સ ખૂબ જ સુંદર લાગે છે. ટેસલ્સનો ઉપયોગ કર્યા પછી ભારે ભરતકામવાળા અંગરખા કુરતા પહેરવાની જરૂર નહીં પડે. તમે આ કુરતાને મેચિંગ બોટમ અને હીલ્સ સાથે જોડીને તમારા લુકને આકર્ષક બનાવી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter