અંતરીક્ષયાત્રાએ જનારી ટીમમાં કેરળની અથિરાની પસંદગી

Sunday 14th August 2022 06:38 EDT
 
 

તિરુવનંતપુરમ્: યુએસ સ્પેસ એજન્સી ‘નાસા’ અને કેનેડિયન અંતરીક્ષ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે એક ખાસ તાલીમ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ભારતીય મૂળની અને કેનેડામાં સ્થાઈ થયેલી અથિરા પ્રીથા રાની અંતરીક્ષ પ્રવાસે જશે.
એસ્ટ્રોનોટ ટ્રેનિંગ પ્રોગ્રામ-2022 માટે વિશ્વભરમાંથી કુલ 12 વ્યક્તિની પસંદગી થઈ છે. એમાં ભારતીય મૂળની કેનેડિયન યુવતી અથિરા રાનીનો પણ સમાવેશ થાય છે. કેનેડામાં સ્થાયી થયેલી અથિરા અને તેના પતિ ગોકુલ સાથે મળીને એરોસ્પેસ કંપની ચલાવે છે. કેરળની એસ્ટ્રોનોમિકલ સોસાયટી એસ્ટ્રામાંથી પ્રારંભિક શિક્ષણ મેળવનારી અથિરા સ્કોલરશિપ મેળવીને રોબોટિક્સનો અભ્યાસ કરવા માટે કેનેડા ગઈ હતી. આ પછી કેનેડામાં જ સ્થાઈ થઈ ગઇ છે.
કેરળની વતની અથિરા કેનેડામાં તેના પતિ સાથે મળીને એરોસ્પેસ ક્ષેત્રે રિસર્ચનું કામ કરે છે. ‘નાસા’ના ખાસ પ્રોગ્રામ હેઠળ હવે તેને ત્રણથી પાંચ વર્ષની તાલીમ આપવામાં આવી રહી છે. વિવિધ બાબતોની અને જુદા જુદા તબક્કાની તાલીમ મેળવ્યા બાદ અથિરા અંતરીક્ષ પ્રવાસે જશે. આ સાથે જ અથિરા અંતરીક્ષ પ્રવાસે જનારાં કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ બાદ ભારતીય મૂળની ત્રીજી મહિલા બનશે. જ્યારે કેરળની પહેલી અંતરીક્ષયાત્રી બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter