રાંચી તા.૫: ઝારખંડમાં છેલ્લા પાંચ વર્ષમાં અંધવિશ્વાસના ઓઠા તળે ૨૧૫ મહિલાઓની હત્યા થઇ ચુકી છે. દર વર્ષે ૫૦ મહિલાને તેમના પરિજન, સગા-સંબંધી કે પડોશીઓ જ ડાકણ સમજીને મારી નાખે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના આંકડા આ વાતની પુષ્ટિ કરે છે. અંધવિશ્વાસને કારણે મહિલાઓ પર થઇ રહેલા આ અત્યાચારને અટકાવવા છુટની દેવી ૨૦ વર્ષથી લડી રહ્યાં છે. છુટની દેવી અત્યાર સુધીમાં ઝારખંડની આ સમાજિક બુરાઇનો ભોગ બનેલી ૧૪૦ મહિલાઓને ન્યાય અપાવી ચૂક્યાં છે. તેઓ કહે છે કે ૨૦૧૭માં ઝારખંડના સરાયકેલામાં ખાકુડીહમાં ચાર મહિલાઓને ગામના લોકોએ ડાકણ ગણાવીને મારપીટ કરી. તેમને ઘરમાંથી કાઢી મૂકી. આ બધી તેની પાસે મદદ માગવા આવી. આ સમયે તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તમામ આરોપીઓની ધરપકડ કરાવી. પછી ગામમાં જઇને લોકોને સમજાવ્યા કે અંધવિશ્વાસ પાછળ લોકોના અંગત સ્વાર્થ જોડાયેલા હોય છે, ડાકણ જેવું કશું હોતું નથી. છુટની દેવીની મહેનત હવે રંગ લાવી છે અને લોકો હવે ધીમે-ધીમે તેમની વાત સાંભળી રહ્યાં છે.
છુટની દેવી કહે છે કે, તેની પાસે આવી ફરિયાદો કાયમ આવતી રહે છે. સૌથી પહેલા તો તે આરોપીઓને પકડવા પોલીસ પર દબાણ ઉભું કરે છે. આ પછી મહિલાની સુરક્ષાની વ્યવસ્થા કરીને તેમને ડાકણ-બિસાહીના આરોપમાંથી છુટકારો અપાવીને તેમને પુનર્વસનમાં મદદ કરે છે.
છુટની દેવી કહે છે કે, મોટા ભાગના કિસ્સામાં આરોપો પાછળનું કારણ સંપત્તિનો વિખવાદ હોય છે. લોકો મહિલાની માલિકીની જમીન ઝૂંટવી લેવા જાત-જાતના અારોપ લગાવે છે. તેઓ કહે છે કે મને મારા વિચારો વ્યક્ત કરવા માટે અનેક પ્રતિષ્ઠિત સેમિનારમાં આમંત્રણ મળી ચૂક્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે ઝારખંડમાં અત્યાર સુધી હજારો મહિલાઓની ડાકણ ગણાવીને હત્યા થઇ છે. તેના માટે લોકોના વિચારોની સાથે કાયદામાં પણ પરિવર્તન જરૂરી છે. રાજ્યમાં ડાકણ સંબંધિત કાયદો બન્યો છે, પરંતુ લોકોમાં જાગૃતિ આવી નથી.
સંતાનો સાથે ઘર છોડ્યું હવે પદ્મશ્રી
છુટની મહતો ૧૯૯૫માં ઝારખંડના સરાયકેલા ખરસવામાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. પાડોશીની પુત્રી બીમાર પડી તો લોકોએ છુટની દેવી પર જાદુ-ટોણાં કર્યાનો આરોપ લગાવ્યો. આ ગામની પંચાયતે તેને ડાકણ જાહેર કરી. ભૂવા-ઓઝાએ તેને મેલું પીવડાવવા કહ્યું. આ અત્યારચારમાંથી છટકીને સાસરીમાંથી પિયર બીરવાંસ આવી ગઇ. અહીં પણ અંધવિશ્વાસની આવી જ સ્થિતિ હતી. જોકે, ઘરના લોકો અને પતિને સમર્થનથી તેને નવજીવન મળ્યું. વર્ષ ૨૦૦૦થી ડાકણ-બિસાહીના સામાજિક દૂષણથી પીડિત મહિલાઓને બચાવવાનું કામ શરૂ કર્યું. તેની મહેનતના કારણે આજે સેંકડો મહિલાઓના જીવ બચી ગયા છે એમ કહીએ તો પણ ખોટું નથી. આ ઝૂંબેશને કારણે થોડાક સમય પહેલા જ તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયાં છે. છુટની દેવી કહે છે કે, તેમને જ્યારે ડાકણ જાહેર કરાયાં એટલા લાચાર હતા કે સંજોગો સામે લડી શક્યાં નહોતાં. જોકે છેલ્લા ૨૧ વર્ષમાં તેઓ ૧૪૦ મહિલાઓને આ બદીથી બચાવીને ન્યાય અપાવી ચૂક્યાં છે.