બાડમેરમાં વિસ્થાપિત ખત્રી સમુદાય દ્વારા અજરખ પ્રિન્ટની શરૂઆત કરવામાં આવી હતી. આ કલા આજકાલની નથી પરંતુ તેને અસ્તિત્વમાં આવ્યાંને ચાર સદી કરતાં પણ વધુ વર્ષ થઇ ચૂક્યાં છે. આજે પણ આ પ્રિન્ટ એટલી જ પોપ્યુલર અને હોટ ફેવરિટ છે. અજરખ બ્લોક પ્રિન્ટિંગ માટે કપડાંને 16 પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે. તેને ધોવાથી માંડીને ડાઇ કરવા, પ્રિન્ટિંગ કરવા અને સુકાવવા સુધીની પ્રક્રિયા એમાં સામેલ છે. અજરખ બ્લોક પ્રિન્ટિંગ માટે જે રંગોનો ઉપયોગ કરવામાં આવે છે તેને વનસ્પતિ, ફળ અને શાકભાજીમાંથી કાઢવામાં આવે છે. અજરખ બ્લોક પ્રિન્ટિંગ માટે ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુ કુદરતી છે તેથી આ ફેબ્રિકને ગરમી અને ઠંડી બંને ઋતુમાં સરળતાથી પહેરી શકાય છે.
પહેલાં ફેશનજગતમાં અજરખ બ્લોક પ્રિન્ટમાંથી સાડી બનાવાતી હતી. હવે તો સલવાર સૂટ, લહેંગા, સ્કર્ટ, ટોપ, સ્કાર્ફ અને વેસ્ટર્ન આઉટફિટ્સમાં પણ અજરખ પ્રિન્ટવાળું ફેબ્રિક જોવા મળે છે. અજરખ બ્લોક પ્રિન્ટિંગમાં જ્યોમેટ્રિકલ, ફ્લોરલ અને નેચરલ સાથે સંકળાયેલી પેટર્ન તૈયાર કરવામાં આવે છે.
• કલર કોમ્બિનેશનઃ ટ્રેડિશનલ અજરખ પ્રિન્ટમાં મોડર્ન લુક જોઇતો હોય તો ન્યૂટ્રલ શેડ્સ જેવા કે વ્હાઇટ, બેજ અને ગ્રે સાથે ટીમઅપ કરો. એનાથી પ્રિન્ટનો લુક નિખરી ઊઠશે. અજરખ પ્રિન્ટમાં ટ્રેડિશનલ લુક જોઇતો હોય તો તેની સાથે બ્રાઇટ કલરનો ઉપયોગ કરો.
• અજરખ પ્રિન્ટ ટોપઃ ડે આઉટિંગથી લઇને ઓફિસ માટે અજરખ પ્રિન્ટ બેસ્ટ છે. અજરખ પ્રિન્ટનાં ટોપ વિવિધ ડિઝાઇન અને પેટર્નમાં મળે છે. એને તમે જિન્સ, સ્કર્ટ, પ્લાઝો સાથે ટીમઅપ કરી શકો છો. જ્યારે પણ અજરખ પ્રિન્ટનાં ટોપ પહેરો ત્યારે બોટમમાં સ્કર્ટ કે પ્લાઝો પ્લેન હોવો જોઇએ તો તે વધુ આકર્ષક લાગશે. એની સાથે લાઇટ જ્વેલરી લેયરિંગ કરો.
• અજરખ કુરતીઃ એ લાઇન અજરખ કુરતી પહેરો કરો ત્યારે બોટમમાં લેગિંગ્સ, પેન્ટ કે જિન્સ ટીમઅપ કરો. ગરમીમાં રાહત મેળવવા બોટમમાં પ્લાઝો ટ્રાય કરી શકો. પગમાં સેન્ડલ અથવા બેલી પહેરવાથી પરફેક્ટ લુક મળશે.
અજરખ બ્લોક પ્રિન્ટ સાડી
સાડીમાં અજરખ બ્લોક પ્રિન્ટ બોલિવૂડમાં હોટ ફેવરિટ છે. દીપિકા પાદુકોણથી માંડી આલિયા ભટ્ટ અજરખ બ્લોક પ્રિન્ટની સાડી પહેરી ચૂકી છે. તેની સાથે પ્લેન બ્લાઉઝ ટીમઅપ કરવાથી આકર્ષક લુક મળશે. આખી અજરખ બ્લોક પ્રિન્ટની સાડી પસંદ ન હોય તો અજરખ બ્લોક પ્રિન્ટનાં બ્લાઉઝની સાથે પ્લેન સાડી ટ્રાય કરીને પણ યુનિક લુક મેળવી શકો છો.
હંમેશા યાદ રાખો કે અજરખ પ્રિન્ટને બેલેન્સ અને હાઈલાઇટ કરવા યોગ્ય રીતે તેને ટીમઅપ કરવું જરૂરી છે. જેમ કે, ટોપ અજરખ પ્રિન્ટનું છે તો બોટમ સિમ્પલ પહેરો અને બોટમમાં આ પ્રિન્ટ ટ્રાય કરી રહ્યાં હોવ તો ટોપ પ્લેન રાખો. અજરખ પ્રિન્ટ સાથે મેટેલિક જ્વેલરી ટચ વધારે આકર્ષક લાગે છે.