અર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે નાગોર્નો-કારાબાખ વિસ્તારને લઈને ભીષણ લડાઈ ચાલી અને તેનો અંત લાવવા પણ તાજેતરમાં બંને દેશો સંમત થયાં છે. જોકે એ પહેલાં યુદ્ધમાં અર્મેનિયાના વડા પ્રધાન નિકોલ પશિનયાનનાં પત્ની એન્ના હકોબયાન પણ રણમેદાનમાં ઉતરવા સજ્જ હતાં. એન્નાએ યુદ્ધ માટે આર્મી ટ્રેનિંગ લેવાની શરૂ કરી હતી તેવા અહેવાલ સાથે એન્નાની હથિયારો સાથેની તસવીરો વાઈરલ થઈ હતી.
અહેવાલો પ્રમાણે અન્નાએ ૨૭ ઓક્ટોબરથી આર્મી ટ્રેનિંગ લેવાનું શરૂ કરી દીધું હતું. આ સાથે જ તેમણે ૧૩ બહાદુર મહિલાની એક ટીમ પણ બનાવી હતી. તે તમામ સાથે જ ટ્રેનિંગ લઈ રહ્યાં હતાં. એન્ના હકોબયાન ક્લાશ્નિકોવ ઓટોમેટિક રાઈફલ ચલાવતી હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી.
મહેલ છોડી યુદ્ધમેદાને ૪૨ વર્ષીય એન્નાએ તાજેતરમાં ફેસબુક પર લખ્યું હતું કે, મારી સાથે અન્ય ૧૩ મહિલા સૈનિકો પણ સૈન્ય ટ્રેનિંગ લઈ રહી છે. ગણતરીના દિવસોમાં જ અમે સરહદની સુરક્ષામાં મદદ કરવા માટે યુદ્ધ મેદાનમાં રવાના થઈશું. ન તો અમારો દેશ અને ન તો અમારી ગરિમા દુશ્મનો સામે ઝૂકશે.
એન્ના વ્યવસાયે પત્રકાર છે અને સમાચાર પત્રના એડિટર છે. ઓગસ્ટથી અત્યાર સુધીમાં લઈને એન્નાની આ બીજી સૈન્ય ટ્રેનિંગ છે. આ અગાઉ અન્ના અને કારાબાખની ૭ મહિલાઓએ એક સપ્તાહ માટે શારીરિક વ્યાયામ અને હથિયારો ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી.
દેશ પર વિકટની સ્થિતિમાં નિર્ણય
એન્ના વર્ષ ૨૦૧૮માં શાંતિદૂત રહી ચૂકી હોવાના અને તેમણે અઝરબૈજાનની મહિલાઓને શાંતિની અપીલ પણ કરી હતી. તેવા અહેવાલ છે. જોકે અર્મેનિયાના વડા પ્રધાને લડાઈના મોરચે સ્થિતિ અતિગંભીર ગણાવતાં દેશની જનતાને અપીલ કરી હતી કે તે દેશ માટે હથિયારો ઉઠાવે. દેશ પર વિકટની સ્થિતિ જોતાં એન્નાએ યુદ્ધમેદાને પડવાનો નિર્ણય લીધો હતો.
વડા પ્રધાનનો ૨૦ વર્ષીય પુત્ર પણ તૈયાર
આ અગાઉ ઓક્ટોબરમાં જ એર્મેનિયાના વડા પ્રધાનનો ૨૦ વર્ષીય પુત્ર અશોટે પણ યુદ્ધમાં વોલેન્ટિયર બનવા પોતાનું નામ નોંધાવ્યું હતું. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં અર્મેનિયાના ૨ હજારથી વધારે લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. અર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં પાંચ હજાર લોકો માર્યા ગયા હોવાનું તાજેતરમાં રશિયન વડા વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બે વખત યુદ્ધ વિરામની જાહેરાત પછી ફરી બંને દેશો વચ્ચે યુદ્ધ ભડકી ઉઠ્યું હતું.