કર્ણાટકના મેંગ્લોરમાં એક વિદ્યાર્થિની અપેક્ષા કોટ્ટારીએ ‘અતુલ્ય ભારત’ની થિમ પર અનોખી ગિફ્ટ આઇટમ બનાવીને પોતાનું નામ ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’માં નોંધાવ્યું છે. આ ગિફ્ટની સાઈઝ ૨૫ બાય ૨૫ સેમી છે અને તેની લંબાઈ ૧૦ મીટર છે. અપેક્ષા ૩૫ પ્રકારની ગિફ્ટ આઈટમ બનાવી ચૂકી છે. ૧૦ મીટરની ગિફ્ટ આઈટમની ખાસિયત એ છે કે આ થિમ પરનું અત્યાર સુધીનું દેશનું સૌથી લાંબુ એક્સપ્લોઝન બોક્સ છે. તેના પર દેશનાં તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોની મહાન હસ્તીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓનાં નામોની જાણકારી તેમના ફોટા સાથે અપાઈ છે.
અપેક્ષા કોટ્ટારી બેસેન્ટ ઈવનિંગ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરે છે અને પોતાના ઘરે બાળકોને ટ્યૂશન આપે છે. અપેક્ષાએ કહ્યું કે તે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે પણ અરજી કરશે. અપેક્ષાએ કહ્યું કે, બાળપણથી જ મને ક્રાફ્ટ આઈટમ્સ બનાવવાનો શોખ છે. હું મારા મિત્રો અને સંબંધીઓ માટે તેમના જન્મદિવસ કે ખાસ દિવસ માટે ગિફ્ટ બનાવીને આપું છું. અપેક્ષાએ કહ્યું કે, ધીમે ધીમે હું યુ ટ્યૂબ પર વીડિયો જોઈને ગિફ્ટ બોક્સ સહિત અન્ય આઈટમ બનાવવાનું શીખી છું. આ પહેલાં પણ મારું નામ ‘એક્સક્લુઝિવ વર્લ્ડ રેકોર્ડ્સ’માં નોંધાયેલું છે.
વર્ષ ૨૦૦૨માં ‘અતુલ્ય ભારત’ અભિયાનની શરૂઆત
ભારતીય પ્રવાસન વિભાગે સપ્ટેમ્બર ૨૦૦૨માં ‘અતુલ્ય ભારત’ અભિયાન શરૂ કર્યું હતું. તેનો હેતુ દેશમાં પર્યટનને પ્રોત્સાહિત કરવાનો હતો. જેના હેઠળ હિમાલય, વન્ય જીવ, યોગ અને આયુર્વેદ પર આંતરરાષ્ટ્રીય સમૂહનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.