અફઘાન મહિલાઓની દેશદાઝઃ દિલ દિયા હૈ જાન ભી દેંગે, અય વતન તેરે લિયે...

Saturday 21st August 2021 07:17 EDT
 
 

કાબુલઃ અફઘાનિસ્તાન માટે અત્યારે સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. પહેલી વાર લોકોને ઘરમાં બેઠાં પણ ડર લાગી રહ્યો છે. રવિવારના નાટ્યાત્મક ઘટનાક્રમ બાદ સ્થિતિ પહેલા કરતાં ખતરનાક બની ગઇ છે. કોઈ જગ્યા સુરક્ષિત નથી. રશિયન આક્રમણ અને અફઘાન ગૃહયુદ્ધ દરમિયાન પણ દેશ છોડ્યો નથી તો તાલિબાન આક્રમણ દરમિયાન હવે દેશ હવે કઇ રીતે છોડી શકું? આ સ્પષ્ટ વલણ અફઘાન મહિલા વેપારી કમિલા સિદ્દિકીનું છે. હકીકતમાં ગયા સપ્તાહે જ અમેરિકી સૈન્યને સાથ આપી ચૂકેલા ૨૦૦થી વધુ દુભાષિયાઓને અમેરિકાએ પોતાને ત્યાં બોલાવી લઇને રાજકીય શરણ આપ્યું છે, પણ કમિલા જેવી સેંકડો મહિલાઓ આવા કપરી મુશ્કેલીના સમયમાં પણ દેશ સાથે ઊભી છે. તે આજે પણ કહે છે કે જ્યાં સુધી થઈ શકશે ત્યાં સુધી તેઓ આ ધરતી પર જ રહેશે.
છેક ૨૦૦૦ના દાયકાથી અફઘાનિસ્તાનમાં શાંતિ અને મહિલા અધિકારો માટે કામ કરી રહેલાં વજમા ફ્રોનો દિવસ હવે રાત્રે સાડા અગિયાર સુધી લંબાઇ ગયો છે. તેઓ જોખમમાં હોય તેવી તમામ મહિલાઓ સાથે વાતચીત કરતા રહે છે. તેઓ કંદહાર, હેલમંદ, હેરાતની મહિલાઓને શક્ય તેટલી મદદ કરે છે. વજમા કહે છે કે એરપોર્ટ અને ફોનલાઈન બંધ હોવાથી તેની સુરક્ષા પણ જોખમમાં છે. આમ છતાં તેમને ખુશી એ વાતની છે કે તેની પાસે લોકોનો અવાજ ઊઠાવવાની તક છે. જોકે સાથોસાથ જ તેમને મનમાં આશંકા પણ છે કે જિંદગીનું બલિદાન આપવું પડશે. જોકે આમ કહીને તરત જ તેઓ ઉમેરે છે કે જોકે હું આવું નથી ઈચ્છતી, પરંતુ જે લોકો મારી સાથે છે તે તમામની મદદ કરવા માંગું છું.
બ્રેસ્ટ કેન્સર સર્વાઈવર અને એક બિનસરકારી સંસ્થાના વડાં નરગિસ નિહાન કહે છે કે જોખમ સામે બચવાના દરેક શક્ય પ્રયાસ કરી રહી છું. મેં મારી માતાને કહી દીધું છે કે મને કંઈ પણ થઈ જાય તો તેનો સ્વીકાર કરી લેજો. જેમને તાલિબાનોથી જોખમ છે એવા લોકો માટે નરગિસ નિહાન યુરોપ અને નાટો પાસેથી મદદ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. તેઓ કહે છે કે અમારી પાસે લડવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ કડવું સત્ય છે કે અમારામાંના ઘણાને તાલિબાન મારી નાંખશે, પણ તેઓ કેટલાને મારી નાંખશે?
કમિલા કહે છે કે અગાઉ તાલિબાની આક્રમણ શરૂ થયું ત્યારે રોકેટ હુમલા થતા હતાં છતાં પણ હું સ્કૂલે જતી હતી. પિતાએ અમને નવેય બહેનોને દેશને પ્રેમ કરવા શીખવાડ્યું છે. નેવુંના દાયકામાં તાલિબાની શાસન સમયે મેં કપડાનો વેપાર શરૂ કર્યો હતો. આથી મહિલાઓ અને યુવતીઓને તથા તાલિબાનીઓની પુત્રીઓને પણ રોજગાર મળ્યો. હું ક્યારેય પણ દેશ છોડી શકું તેમ છું, પણ જે લોકો દેશમાં રહી સંતાનોને મોટા કરવા માંગે છે, સારા ભવિષ્ય માટે લડવા માગે છે તેમના માટે મારે અહીં રોકાવું જ પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter