કાબુલ: આજકાલ અશાંતિમાં ઘેરાયેલા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં દેશની સૌથી મોટી કન્યાશાળાનો પ્રારંભ થયો છે. એક તરફ કટ્ટરવાદી તાલિબાનીઓ દેશમાં શરિયા પ્રથા લાગુ કરવા ધમપછાડા કરી રહ્યા છે, મુસ્લિમ સમુદાય પર નિયંત્રણો લાદવા મથી રહ્યા છે ત્યારે બીજી તરફ દેશમાં ગર્લ્સ સ્કૂલનો પ્રારંભ થયો છે અને તેને લોકોએ પ્રોત્સાહક પ્રતિસાદ આપ્યો છે તે કંઇ નાનીસૂની બાબત નથી. સોમવારે સૌથી મોટી ગર્લ્સ સ્કૂલ ખૂલી તેના પહેલાં જ દિવસે ઘણી છોકરીઓ તાલિબાની ધમકીઓ કે ડરને વશ થયા વગર સ્કૂલે પહોંચી અને ભણવા માટેની આઝાદીનો જશ્ન મનાવ્યો હતો. આ ગર્લ્સ હાઇસ્કુલમાં અંદાજે ૮૫૦૦ વિદ્યાર્થિનીઓ ભણે છે. આ સ્કૂલ કોરોનાને કારણે છેલ્લા બે મહિનાથી બંધ હતી. અંદાજે ૪ કરોડની વસતી ધરાવતા અફઘાનિસ્તાનમાં ૯૦ લાખ બાળકો છે, જેમાંથી ૩૭ લાખ અભ્યાસથી વંચિત હોવાનું એક પ્રાથમિક તારણ છે. અભ્યાસ કરતાં બાળકોમાં ૬૬ ટકા છોકરાઓ અને ૩૭ છોકરીઓ છે. જ્યારે અભ્યાસથી વંચિત બાળકોમાં ૬૦ ટકા છોકરીઓ છે. એક રિપોર્ટ મુજબ, છોકરીઓ ભણવા તો ઇચ્છે છે, પણ પરિવારજનોનો તાલિબાનના ડર અને છાશવારે થતા
બોમ્બ વિસ્ફોટોને કારણે તેમને સ્કૂલે મોકલવા ઇચ્છતા નથી.