કાબુલ: અફઘાનિસ્તાનમાં કટ્ટરવાદી તાલિબાની શાસકો દ્વારા મહિલાઓ માટે બુરખો પહેરવાનું ફરજિયાત કરાયું છે તે સાથે જ વિરોધનો વંટોળ ઉઠ્યો છે. મહિલા અધિકાર ચળવળકર્તાઓ આ નિયમના વિરોધમાં રસ્તાઓ પર ઉતરી પડ્યા છે. તાલિબાન શાસકોના ફરમાન અનુસાર મહિલાઓ માટે સાર્વજનિક સ્થળોએ બુરખો પહેરવો ફરજિયાત કરાયો છે. તાલિબાન શાસકોએ આંદાલનકારી મહિલાઓને આકરા પગલાંની ધમકી આપી હોવા છતાં મહિલાઓએ રાજધાનીના માર્ગો પર કૂચ કરી હતી અને આ ફરમાનની સામે ન્યાયની માંગ કરી હતી.
પ્રદર્શન કરી રહેલી મહિલાએ જણાવ્યું હતું કે અમારે તાલિબાનના કઠોર વ્યવહારના સામનો કરવો પડી રહ્યો છે. તેમણે અમને જણાવ્યું છે કે જો અમે એક ડગલું વધીશું તો તેઓ ૩૦ રાઉન્ડ ફાયર કરશે.
તાલિબાની સત્તાધીશો દ્વારા સાતમી મેના રોજ જાહેર કરવામાં આવેલા એક ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓએ માથાથી લઈને પગ સુધી બુરખો પહેરવો ફરજિયાત છે. મોટા ભાગની અફઘાની મહિલાઓ માથા પર સ્કાર્ફ બાંધે છે, પરંતુ કાબુલ જેવા શહેરી વિસ્તારોમાં કેટલીય મહિલાઓ પોતાનો ચહેરો ઢાંકતી નથી. આ આદેશનો ભંગ કરાયો તો મહિલાના પતિ કે પિતાને સજા કરાશે. તેમને કેદ પણ થઇ શકે છે કે તેમને સરકારી નોકરીમાંથી કાઢી મૂકી શકાય છે.
કટ્ટરવાદી શાસકોના આ ફરમાન સામે સમગ્ર દેશમાં આક્રોશ પ્રવર્તે છે. આ આદેશ પર ચર્ચા માટે યુનાઇટેડ નેશન્સે પણ બેઠક યોજી હતી અને આવા નિયંત્રણની આકરી ટીકા કરી હતી.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન પર કટ્ટરવાદી તાલિબાને કબ્જો જમાવ્યા પછી તેમણે એવી જાહેરાત કરી હતી કે મહિલાઓ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ લાદવામાં આવશે નહીં, પણ હવે તે ફરી ગયું છે. હવે તે મહિલાઓ પર એક પછી એક નિયંત્રણો લાદી રહ્યું છે. પહેલા તેણે યુનિવર્સિટીઓ અને સ્કૂલોમાં સહશિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો. તેના પછી મહિલાઓને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાની મનાઈ ફરમાવી અને હવે તેઓ મહિલાઓને બુરખો પહેરવાની ફરજ પાડી રહ્યા છે.