બેઇજિંગ: ચીનના સોશ્યલ મીડિયામાં આજકાલ વયોવૃદ્ધ દાદીમાઓનું એક જૂથ છવાઇ ગયું છે. આ ગ્રૂપનું એક જ લક્ષ્ય છેઃ પોતાના જેવા લોકો પ્રત્યેનો યુવા પેઢીનો અભિગમ બદલવાનું. ફેશન ગ્રાન્ડમા’સ નામના ગ્રૂપમાં ૬૦ વર્ષથી માંડીને ૮૦ વર્ષ સુધીના વૃદ્ધ મહિલાઓ સામેલ છે, જેઓ ક્યારેક પ્રોફેશનલ ફેશનેબલ મોડેલ્સની જેમ રસ્તાઓ પર રેમ્પ વોક કરતાં જોવા મળે છે તો ક્યારેક ટીવી શોમાં ચર્ચા કરતાં પણ નજરે ચઢે છે. આ મહિલાઓનાં વીડિયો પણ વાઇરલ થઇ રહ્યાં છે.
બે વર્ષથી ફેશન ગ્રાન્ડમા’સ સાથે જોડાયેલાં શાંગ શિઉજૂની જ વાત કરીએ. આ ૭૬ વર્ષીય દાદીમાનો એક મિનિટનો વીડિયો દેશભરમાં વાઇરલ થયો હતો, જેમાં તેઓ બેઇજિંગના રાજમાર્ગ પર રેમ્પવોક કરતા જોવા મળે છે. આ વીડિયો રિલિઝ થયા પછી લાખો લોકો તેમના ફોલોઅર્સ બન્યા છે. પરંપરાગત પોશાક ચોંગસમ કે કિપાઓમાં સજી-ધજીને તૈયાર શાંગ શિઉજૂ ચીનનાં એવા પ્રભાવશાળી વૃદ્ધાઓ પૈકી એક છે કે જેઓ લોકોને જિંદગીનો મૂળ અર્થ શીખવી રહ્યા છે.
લોકોના જીવનમાં ધૂમ મચાવી રહેલું ફેશન ગ્રાન્ડમા’સ ગ્રૂપ લોકોના જીવનમાં હકારાત્મકતા લાવવા પ્રયત્નશીલ છે. શાંગ શિઉજૂ કહે છે કે અમે લોકોને એ જણાવવા માગીએ છીએ કે સુંદરતા અને ઉંમરને કોઇ નિસબત નથી. તમે જીવનભર ખુશ અને પોઝિટિવ રહી શકો છો. આ જીવનસંદેશ શક્ય તેટલો વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ ગ્રૂપ ફેશન શોની જેમ લાઇવ સ્ટ્રીમિંગ તથા પ્રેરણાદાયક મેસેજિસનો ભરપૂર ઉપયોગ કરી રહ્યું છે.
આ ઝૂંબેશ દ્વારા દાદીમાઓનું જૂથ માત્ર લોકોની વિચારસરણી જ નથી બદલી રહ્યું, પરંતુ કમાણી કરવાની સાથોસાથ અર્થતંત્રમાં પણ યોગદાન આપી રહ્યું છે. શાંગ જણાવે છે કે, ‘અમારા યુવા ચાહકો અમારા જેવા દાદી કે નાનીને ખુશ અને ફેશનેબલ શૈલીમાં જૂએ છે. વયોવૃદ્ધ મહિલાઓને આટલી ફેશનેબલ અને ખુશહાલ જિંદગી જીવતાં જોઇને હવે તેમને ઘડપણથી ડર નથી લાગતો.’
ચીનમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે ત્યારે સરકાર સામે સૌથી મોટો પડકાર એ છે કે લાખો લોકોને સુવિધાઓ કેવી રીતે પૂરી પાડવી? દેશ એક પડકાર તરીકે લાખો નિવૃત્ત લોકોને સુવિધા પૂરી પાડવા વિચારી રહ્યો છે ત્યારે વૃદ્ધોનો એક મોટો વર્ગ ટેક્નોલોજીના માધ્યમથી કમાવવા પ્રયાસ કરી રહ્યો છે, જેથી આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે. તેઓ કોઇના પર ભારરૂપ કે બોજારૂપ ન બની રહે. ફેશન ગ્રાન્ડમા’સના ગ્રૂપમાં ૬૦-૭૦ વર્ષની ૨૫ મહિલાઓ છે, જેઓ વીડિયો, લાઇવ સ્ટ્રીમિંગમાં મળતી જાહેરાતો દ્વારા કમાણી પણ કરી રહ્યાં છે. આજે વધુને વધુ લોકો ફેશન ગ્રાન્ડમાસ સાથે જોડાઇ રહ્યાં છે. ૨૩ સભ્યોના આ ગ્રૂપને દેશભરમાંથી વિવિધ વર્ગોનો પણ સાથસહકાર મળી રહ્યો છે.
ફેશન ગ્રાન્ડમા’સ ગ્રૂપ પોપ-અપ વીડિયોના લાઇવ સ્ટ્રીમીંગ દરમિયાન ઉત્પાદન વેંચીને પણ નાણાં કમાય છે. હિલીંગ નામના એક એજન્ટ કહે છે તેમ આ દાદીમાઓ એક મિનિટમાં તો કોઇ પણ ઉત્પાદનના ૨૦૦ યુનિટ વેંચી નાંખે છે. આ ઉપરાંત તેમના ફેશન ગ્રાન્ડમા’સ મેસેજીસ વીડિયોમાં એક ખાસ સંદેશો પણ છુપાયેલો હોય છે. જેમ કે, ‘સુંદરતા ફક્ત યુવાનો માટે જ નથી, પરંતુ વૃદ્ધ લોકો પણ અદભૂત જીવન જીવી શકે છે. જ્યારે કેટલાક વીડિયોમાં ગંભીર સંદેશ પણ હોય છે. જેમ કે, મહિલાઓ સાથે ઘરેલુ હિંસા ન આચરવી જોઇએ. ફેશન ગ્રાન્ડમા’સના એક વીડિયોમાં એક યુવાનને તેની ગર્લફ્રેન્ડને સ્ટોરમાં થપ્પડ મારતો દર્શાવાયો હતો. આ પછી વૃદ્ધ મહિલા તેને ઘસડીને ગાર્ડ પાસે લઇ જતા દર્શાવાય છે. આ પછી સ્ક્રીન પર મેસેજ ફ્લેશ થાય છેઃ ‘ડોમેસ્ટિક વાયોલન્સ ગેરકાયદે છે.’
ફેશન્સ ગ્રાન્ડમા’સને મળી રહેલા પ્રોત્સાહક પ્રતિસાદથી ઉત્સાહિત શાંગ શિઉજૂ કહે છે કે તેઓ ચીનના અર્થતંત્ર અને ઓનલાઇન કલ્ચરમાં ખોવાઇ ચૂકેલી યુવા પેઢીને જ્ઞાનની સાથોસાથ લગ્ન, પ્રેમ અને જીવન અંગેની મહત્ત્વની વાતો પણ શીખવાડે છે.