વોશિંગ્ટન: અમેરિકામાં જ્યોર્જ ફ્લોઈડ અને એક અશ્વેત નર્સ પર રંગભેદની નીતિને કારણે થયેલા અત્યાચાર પછી વિશ્વભરમાં રંગભેદની નીતિ અંગે દેખાવો ચાલી રહ્યાં છે. શ્વેત - અશ્વેત અંગે ચાલતા વિવાદો વચ્ચે અમેરિકન નેવીમાં આફ્રિકન લેફ્ટનન્ટ મેડલિન સ્વીગલે પ્રથમ અશ્વેત મહિલા પાઇલટ બનીને ઇતિહાસ સર્જ્યો છે. અમેરિકન નેવીના નેવલ એર ટ્રેનિંગ કમાન્ડે કરેલા એક ટ્વિટમાં મેડલિનની આ સિદ્ધિ અંગે માહિતી અપાઇ છે.
આ ટ્વિટમાં લખ્યું છે કે મેડલિન ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ટેક્ટિકલ એરક્રાફ્ટ ઉડાવનારી પ્રથમ અશ્વેત મહિલા પાઇલટ બની ગઇ છે. આ અગાઉ ૧૬મી જુલાઈએ અમેરિકન નેવીએ પણ આ અંગે એક ટ્વિટ કર્યું હતું. નેવર એર ટ્રેનિંગ કમાન્ડની ટ્વિટમાં જણાવવામાં આવ્યું હતું કે, ફ્લાઇંગ ઓફિસર મેડલિને વિંગ્સ ઓફ ગોલ્ડ બેજ હાંસલ કર્યો છે. અમેરિકન નેવીની એર વિંગમાં આ સન્માન મેળવનારી તે પ્રથમ અશ્વેત મહિલા છે.
૩૧મી જુલાઇએ એક સમારોહમાં મેડલિનને આ બેજ અપાશે. વર્જિનિયાના બુર્કેની રહેવાસી મેડલિનએ વર્ષ ૨૦૧૭માં યુએસ નેવલ એકેડમીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. અધિકારીઓના કહેવા મુજબ તેને કિંગ્સવિલેમાં રેડહોક્સ ટ્રેનિંગ સ્ક્વોડ્રન ૨૧ ની જવાબદારી સોંપાઇ છે. જૂન મહિનામાં અમેરિકન નેવીએ સંકેત આપ્યો હતો કે તે રંગભેદ અને વંશભેદના પ્રશ્નો ઉકેલવા ઇચ્છે છે. જેથી આ સમુદાયો સાથે જોડાયેલા લોકોની કામ કરવાની મુશ્કેલીઓ ખતમ થાય. નેવીમાં તેમને બરાબરી સાથે તક મળે. ઉલ્લખેનીય છે કે અમેરિકન નેવીમાં માત્ર ૭૬૫ મહિલા પાઈલટ છે.