વોશિંગ્ટનઃ જાણીતાં ભારતીય-અમેરિકન સિવિલ રાઇટ્સ વકીલ વનિતા ગુપ્તા અમેરિકાના એસોસિયેટ એટર્ની જનરલ બનશે. અમેરિકાની સેનેટે આ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. આ સાથે જ અમેરિકાના ન્યાય વિભાગમાં ત્રીજા નંબરના સર્વોચ્ચ સ્થાને બિરાજનારા તેઓ પ્રથમ એશિયાઈ વ્યક્તિ બનશે.
રિપબ્લિકન સેનેટર લિસા મર્કોવ્સ્કીએ તેના પક્ષના સહયોગીના વલણથી વિપરત જઈને ૪૬ વર્ષીય વનિતાને ટેકો આપ્યો હતો. વનિતાને ડેમોક્રેટ્સના ૫૧ વોટ મળ્યા હતા. આમ સેનેટે ૫૧-૪૯ મતથી આ હોદ્દા પર તેમની નિમણૂક કરી હતી.
ઉપરાષ્ટ્રપતિ કમિલા હેરિસ ટાઇના સંજોગોમાં મતદાન કરવું પડે તો મત આપવા માટે સેનેટમાં હાજર રહ્યા હતા. અમેરિકાની સેનેટમાં બંને પક્ષોના ૫૦-૫૦ સભ્યો હોય છે. પ્રેસિડેન્ટ જો બાઇડેને જણાવ્યું હતું કે એસોસિયેટ એટર્ની જનરલ પદનો કાર્યભાર સંભાળનારા પ્રથમ એશિયાઈ મૂળનાં મહિલા બનીને ઇતિહાસ રચવા બદલ વનિતા ગુપ્તાને અભિનંદન.
વનિતા ગુપ્તા ન્યાય વિભાગના ટોચના ત્રણ હોદ્દા પરના એક હોદ્દા પર કામ કરનારાં પ્રથમ સિવિલ રાઇટ્સ વકીલ પણ બન્યાં છે. સેનેટના બહુમતી નેતા સેનેટર ચક શુમર જેમણે તેમના સમર્થમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તેમણે જણાવ્યું હતું કે વનિતા ગુપ્તા પહેલાં એશિયાઈ મહિલા અને સિવિલ રાઇટ્સ વકીલ છે, જેઓ એટર્ની જનરલના પદ પર કામ કરશે. તે અમારી ફેડરલ લો એન્ફોર્સમેન્ટ એજન્સીનું લાંબા સમયથી પડતર કામ સંભાળશે, એમ તેમણે કહ્યું હતું.